પોલીસ લોકઅપના વોશરૃમમાં આરોપીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
પોલીસ લોકઅપના વોશરૃમમાં આરોપીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી 1 - image


સલમાન ખાનના ઘરે ફાયરિંગનો કેસ

ગોળીબાર માટે શૂટરને પનવેલ  પિસ્તોલ પહોંચાડી હતી

મુંબઈ :  બાંદરામાં અભિનેતા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર સંબંધમાં પકડાયેલા આરોપી અનુજ થાપને મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાન્ચના લોકઅપમાં આજે આત્મહત્યા કરતા ચકચાર જાગી હતી. લોકઅપના વોશરૃમમાં અનુજે ચાદર ફાડીને તેના કટકાથી ગળાફાંસો ખાધો હતો. બોલીવૂડ સહિત દેશભરમાં હાહાકાર મચાવનારા કેસના આરોપીની આત્મહત્યાથી પોલીસની સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલ ઊભો થયો છે. આ મામલે લોકઅપમાં ફરજ બજાવનારા પોલીસ કર્મી સામે કાર્યવાહી થઈ શકે છે. પોલીસે આ બનાવની નોંધ લઈ ઝીણવટભરી તપાસ શરૃ કરી છે.

સલમાનના ઘરે ફાયરિંગ કરવા પનવેલ બન્ને શૂટરને પિસ્તોલ પહોંચાડવાના આરોપસર પંજાબથી સુભાષ ચંદર (ઉ.વ.૩૭) અને અનુજ થાપન (ઉ.વ.૩૨)ની ધરપકડ કરવામાં આવી હતી.

તેને દક્ષિણ મુંબઈમાં પોલીસ કમિશનરની ઓફિસ કમ્પાઉન્ડની અંદર ક્રાઈમ બ્રાન્ચની બિલ્ડિંગમાં પહેલા માળે આવેલા લોકઅપમાં અન્ય આરોપી સાથે રાખવામાં આવ્યો હતો. ગોળીબાર પ્રકરણમાં અનુજની પૂછપરછ પૂર્ણ થઈ નહોતી.

આ કેસના બે આરોપીઓને નિવેદન નોંધવા માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આજે અનુજ વોશરૃમમાં ગયો હતો જ્યા તેણે બારી સાથે ચાદરથી ગળાફાંસો ખાધો હતો.

આ ઘટના બપોરે એક વાગે પ્રકાશમાં આવી હતી. ઘણા સમય બાદ પણ અનુજ વોશરૃમમાંથી બહાર આવ્યો નહોતો. આથી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ બળજબરીથી દરવાજો ખોલતાં અનુજ અંદર બારીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

આ બનાવની જાણ થયા બાદ અનુજને તાત્કાલિક જી.ટી.હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નિપજ્યું હતું.

સલમાન ખાન ફાયરિંગ કેસના આરોપીની આત્મહત્યાથી પોલીસ વિભાગમાં સનસનાીટી ફેલાઈ ગઈ હતી. 

આ બનાવની માહિતી મળતા સિનીયર પોલીસ ઓફિસર તપાસ માટે  પહોંચી ગયા હતા પોલીસે આરોપી અનુજનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જે જે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ આદરી હતી.

આ મામલે આઝાદ મેદાન  પોલીસ સ્ટેશનના એક્સિડેન્ટલ ડેથ  રિપોર્ટ  નોંધવામાં આવ્યો છે.

બાંદરામાં સલમાનના નિવાસસ્થાનની બહાર ૧૪ એપ્રિલના વહેલી સવારે બાઈક પર આવેલા વિકી ગુપ્તા (ઉ.વ.૨૪) અને સાગર પાલ (ઉ.વ.૨૧)એ પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા.  સદ્ભાગ્યે ગોળીબારમાં  કોઈને ઈજા થઈ નહોતી. પોલીસે કચ્છમાં માતાના મઢના પરિસરમાંથી બન્ને શૂટરની ધરપકડ કરી હતી. બન્ને શૂટરના આરોપી સુભાષ ચંદર (ઉ.વ.૩૭) અને અનુજ થાપન (ઉ.વ.૩૨) દ્વારા શસ્ત્રો અને કારતૂસ આપવામાં આવ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૯ની ટીમે બન્નેની ઉત્તર પંજાબથી ધરપકડ કરી હતી.

ગતા ૧૫ માર્ચે  પનવેલમાં તેઓ શૂટરને બે દેશી બનાવટની પિસ્તોલ અને ૩૮ જીવંત કારતૂસ આપવા માટે આવ્યા હતા. પનવેલમાં શૂટરના ભાડાના ઘરમાં બન્ને અંદાજે ૩ કલાક રોકાયા હતા.  પિસ્તોલ ચેક કરવા ચંદર અને થાપને ૪૦માંથી બે ગોળી ફાયર કરી હતી.

સલમાનના ઘરની બહાર ગોળીબાર કરવા પાછળ શૂટરનો ઉદ્દેશ્ય આતંક  ઊભો કરવાનો હતો.

મુંબઈથી માતાના મઢ નાસી જતી વખતે સૂટરે સુરતમાં તાપી નદીમાં બે પિસ્તોલ અને કારતૂસો ફેંકી દીધા હતા. પોલીસે બાદમાં નદીમાંથી ૧૭ કારતૂસ અને બે પિસ્તોલ કબજે કરી હતી. ફાયરિંગ કરવાના  ચાર દિવસ પહેલાં સલમાનનાી પનેવલના વિશાળ ફાર્મ હાઉસની શૂટરે રેકી કરી હતી.  ફાર્મ હાઉસથી અંદાજે ૧૦ કિ.મી. દૂર આવેલાી હરિગ્રામ  વિસેતારમાં તેમણે એક ભાડે રાખ્યું હતું.

બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં શૂટરે તેના મૂળ ગામમાં ગોળીબારની તાલીમ લીધી હતી.

આરોપી અનુજ થાપન ટ્રેક પર હેલ્પર તરીકે કામ કરતો હતો તે બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હતો. તેની સામે ગંભીર કેસ નોંધાયેલા હતા.

ફાયરિંગ બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.



Google NewsGoogle News