પોસ્ટમોર્ટમ રીપોર્ટ અનુસાર પુષ્કળ લોહી વહી જવાથી અક્ષયનું મોત
માથામાં ગોળી વાગી હતી, સ્થળ પર જ મોત થયું હતું
ઇન કેમેરા સાત કલાક પોસ્ટમોર્ટમ કરાયું, પાંચ ડૉકટરની ટીમ સામેલ
મુંબઇ : પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપી અક્ષય શિંદેના મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવ્યું છે. મૃતક અક્ષયના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવાને કારણે તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
બદલાપુરની સ્કૂલમાં નર્સરીમાં ભણતી બે વિદ્યાર્થિનીના જાતીમ શોષણના આરોપી અક્ષય શિંદે મુમ્બ્રા બાયપાસ પાસે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અક્ષય શિંદેને કયાં ગોળી વાગી હતી તે વિશે પોલીસ દ્વારા કોઇ માહિતી આપવામાં આવી નહતી. હવે અક્ષયના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ તમામ બાબતની માહિતી બહાર આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અક્ષયના માથામાં ગોળી વાગી હતી. પછી વધુ પ્રમાણમાં લોહી વહેવાને કારણે તેનું જગ્યા પર જ મોત થયું હતું. અક્ષયનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુમ્બ્રા પોલીસને સોંપવામાં આવ્યો છે.
પોલીસ વેનમાં અક્ષયે આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર નિલેશ મોરેની પિસ્તોલ ઝૂંટવી પગમાં ગોળી મારી હતી ત્યારબાદ અક્ષયે વધુ બે ગોળી ફાયર કરી હતી. પરંતુ સદ્ભાગ્યે કોઇને ગોળી વાગી નહોતી. ત્યારબાદ સિનિયર પોલીસ ઇન્સ્પેકટર સંજય શિંદેએ સ્વબચાવમાં ગોળીબાર કરતા અક્ષય ઠાર થયો હતો.
તેના મૃતદેહને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જે.જે. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
જ્યાં ગઇકાલે ઇન કેમેરા પાંચ ડૉકટરની ટીમે અંદાજે સાત કલાક સુધી પોસ્ટમોર્ટમ કર્યું હતું.
જે.જે. હોસ્પિટલમાં સૂત્રોએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના ધોરણો અનુસાર કરવામાં આવ્યું હતું.