ફોરેસ્ટ સર્વે મુજબ:જંગલોમાં વધારો થયો હોય એવું દેશનું એક માત્ર રાજ્ય મહારાષ્ટ્ર
- છેલ્લાં ત્રણ વર્ષમાં સમગ્ર રાજ્યમાં 24 કરોડ વૃક્ષો વાવવામાં આવ્યાં : મુખ્ય પ્રધાન
મુંબઇ, તા.29 જૂન 2019, શનિવાર
છેલ્લાં ત્રણ વર્ષમાં સમગ્ર મહારાષ્ટ્રમાં ૨૪ કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને વિતેલા વર્ષોમાં જંગલોમાં વધારો થયો હોય એવું એક માત્ર રાજ્ય મહારાષ્ટ્ર હોવાનું ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય વિધાનસભામાં જણાવ્યું હતું.
માત્ર જંગલો જ નહીં પરંતુ જંગલ બહારનાં વૃક્ષોની સંખ્યા પણ વધી છે. તે મુજબ આવા વૃક્ષોના વિસ્તારમાં ૨૫૩ ચોરસ મીટરનો તથા મેન્ગ્રોવ્ઝ ધરાવતા વિસ્તારમાં ૮૨ ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. ૨૦૧૫ બાદ મહારાષ્ટ્ર સરકારના સહિયારા અને ધ્યાન કેન્દ્રીત કરાયું હોય તેવા પ્રયાસોનું આ પરિણામ છે ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮ એમ છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે યોજનાપૂર્વક કરોડો વૃક્ષો વાવ્યાં છે એમ ફડણવીસે જણાવ્યું હતું.
૨૦૧૬માં સરકારનો લક્ષ્યાંક બે કરોડ વૃક્ષો વાવવાનો હતો પરંતુ લક્ષ્યાંક ઉપરાંત વધુ ૮૩ લાખ છોડવાનું વાવેતર કરવામાં આવ્યું હતું. તે પછીના વર્ષમાં ચાર કરોડ વૃક્ષોના લક્ષ્યાંક સામે પાંચ કરોડ વૃક્ષોનું આરોપણ કરવામાં આવ્યું હતું.
૨૦૧૮માં વૃક્ષારોપણના લક્ષ્યાંકમાં ધરખમ ળદારો થયો અને વૃક્ષોની સંખ્યા ૧૬ કરોડે પહોંચી હતી. જો કે, વાવવામાં આવેલા છોડવા કરમાઇ ન જાય અને તેની વૃદ્ધિ થાય તેની તકેદારી પણ સરકાર રાખે છે.
૨૦૧૬માં વાવેતર કરાયેલા છોડવા પૈકી ૭૨ ટકા મરી ગયા ન હતા અને વૃદ્ધિ પામ્યા હતા. તે પછી ૨૦૧૭ અને ૨૦૧૮માં આ ટકાવારી અનુક્રમે ૮૦ અને ૮૫ ટકાની હતી.