'ગૂગલ પે'ના માધ્યમથી ૩ હજાર રૂપિયાની લાંચ સ્વીકારી
યુપીઆઈનો આવો પણ ઉપયોગ થવા લાગ્યોઃ
કાશીગાવના પોલીસ કોન્સ્ટેબલની રંગે હાથે ધરપકડ કરવામાં આવી
મુંબઈ: ડિજિટલ યુગમાં કોઈ વસ્તુ ખરીદીએ એટલે મોટા ભાગના લોકો હવે યુપીઆઈનો ઉપયોગ કરીને પૈસા ચુકવતાં હોય છે. પરંતુ, તેનો ઉપયોગ હવે લાંચ લેવા પણ થવા લાગ્યો હોય એવો આઘાતજન્ય બનાવ સામે આવ્યો છે. મુંબઈના એન્ટી કરપ્શન વિભાગે 'ગૂગલ પે' દ્વારા ૩ હજાર રૂપિયાની લાંચ લેતા પોલીસ કર્મચારીની ધરપકડ કરી છે. આ પોલીસકર્મચારી મીરા રોડના કાશીગાંવ પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે. આ કેસના ફરિયાદી એક વાહન ચાલક છે.૧૧ સપ્ટેમ્બરના મંગળવારે, જ્યારે ફરિયાદી કલ્યાણથી પરત ફરી રહ્યો હતો, ત્યારે કાશીમીરામાં તેનું વાહન બંધ પડી ગયું હતું.એથી તેણે તે વાહન રોડની બાજુમાં પાર્ક કરવા જઈ રહયો હતો. તે જ સમયે કાશીગાંવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં૪૨ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ મંગેશ રાક્ષેના ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. જેના કારણે મંગેશ રાક્ષે અને ફરિયાદી ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઈ હતી. એથી મંગેશરાક્ષે ફરિયાદીનું ડ્રાઇવિંગ લાયસન્સ છીનવી લીધું હતું અને જો તેને તે પાછું જોઈતું હોય તો ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ આપવા કહયું હતું. તે સમયે ફરિયાદીના બેન્ક ખાતામાં ૩ હજાર રૂપિયા હતા.પોલીસકર્મચારીએ એક પાનવાળાને તેને તે પૈસા ગૂગલ પે દ્વારા મોકલવાનું કહયું હતું. પરંતુ, બુધવારે મંગેશ રાક્ષેએ ફરીયાદી પાસેથી બાકીના ૭ હજાર રૂપિયાની માગણી કરી હતી. તેથી, ફરિયાદીએ આ મામલેવરલીના એન્ટી કરપ્શન શાખાને ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતાની સાથે જ એન્ટી કરપ્શન વિભાગે છટકું ગોઠવ્યું હતું. પરંતુ, જાળ ગોઠવતી વખતે મંગેશને શંકા ગઈ હતી. પરંતુ,એન્ટી કરપ્શન વિભાગની પોલીસે મંગેશની રંગે હાથે ધરપકડ કરી શકયા હતા. મંગેશ રાક્ષેની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૭ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.