રાજન સાળવીના ઘર, હોટેલ, ઓફિસ સહિત 7 સ્થળે એસીબીના દરોડા
ઠાકરે જૂથના રત્નાગિરીના ધારાસભ્ય સામે કાર્યવાહી
સાળવી, તેમની પત્ની, પુત્ર સામે કેસ દાખલઃ આવક કરતા 118 ટકા વધુ સંપત્તિનો આરોપઃ રાજકીય કિન્નાખોરીથી કાર્યવાહીનો સાળવીનો દાવો
મુંબઈ : એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ આજે રત્નાગિરીમાં શિવસેનાના ઉધ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્ય રાજન સાળવીના ઘર, હોટલ, ઓફિસ સહિત સબંધિત સાત સ્થળે દરોડા પાડયા હતા. બીજી તરફ સર્ચ ઓપરેશન દરમિયાન સાળવીની સંપત્તિ તેમની કાયદેસરની આવક કરતા ૧૧૮ ટકા વધુ જણાઈ હોવાનો દાવો કરાયો છે.
એસીબીએ રાજન સાળવી ઉપરાંત તેમની પત્ની અને પુત્ર સામે કેસ નોંધી વધુ તપાસ આદરી છે. હવે સાળવીની ધરપકડ કરવામાં આવશે કે કેમ તે બાબતે જાતજાતની ચર્ચા થઈ રહી છે.
રત્નાગિરીમાં આજે સવારે વિધાનસભ્ય રાજન સાળવીના ઘરે એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ દરોડા પાડયા હતા. આ સિવાય રાજનની ઓફિસ, હોટેલ અને સંબંધિત અન્ય જગ્યાએ પણ એસીબીની ટીમે છાપો મારી દસ્તાવેજોની તપાસણી કરી હતી.
ઓક્ટોબર ૨૦૦૯થી ડિસેમ્બર ૨૦૨૨ દરમિયાન સાળવીએ ગેરરીતિથી કમાણી કરી હોવાનું કહેવાય છે. તેમણે આવકના સ્ત્રોત કરતા વધુ રૃ.૩.૫૩ કરોડની એટલે કે ૧૧૮ ટકા વધુ સંપત્તિ એકઠી કરી હોવાનો આરોપ છે.
નાણાકીય ઉચાપતની જાણ હોવા છતાં રાજન સાળવીની પત્ની અનુજા અને પુત્ર શુભમે અમુક પ્રોપર્ટી પોતાના નામ પર કરી લીધી હતી. આ મામલે એસીબી દ્વારા રત્નાગિરી શહેર પોલીસ સ્ટેશનમાં રાજન સાળવી, પત્ની અનુજા, પુત્ર શુભમ સામે ભ્રષ્ટાચાર સંબંધિત કલમ ૧૩ (૧) (બી) અને ૧૩ (૨) હેઠળ ગુનો નોંધ્યો હતો.
એસીબી દ્વારા કેસ દાખલ થયા બાદ ઠાકરે જૂથના ધારાસભ્ય રાજન સાળવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 'મને પરિણામોની પરવા નથી. મારી પત્ની અને પુત્ર વિરુધ્ધ કેસ નોંધવામાં આવ્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે. શિંદે જૂથમાં ન જવાથી પરિણામ ભોગવી રહ્યો છું.
એસીબીની તપાસના કારણે સાળવીની મુશ્કેલીઓ વધી રહી હોય એવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલાં એસીબીએ રાજન સાળવી અને તેમના પરિવારને નોટિસ પાઠવીને પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું હતું. તેમજ રાજનની એસીબી દ્વારા થોડા દિવસો પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે અલીબાગની એસીબીની કચેરીની સૂચના મુજબ રાજન સાળવીના રત્નાગિરી શહેરમાં આવેલા બંગલા અને તેમની હોટેલની જાહેર બાંધકામ વિભાગ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ સિવાય ઘર, હોટેલની જમીનની કુલ કિંમત અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગ એટલી કે ડેકોરેશન માટે થયેલા ખર્ચનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ તમામ બાબત વિશે વાત કરતાં રાજન સાળવીએ આક્ષેપ કર્યો હતો કે 'આ બધું રાજકીય દબાણને કારણે થઈ રહ્યું છે.'