અબુ સાલેમે કેદમાં 25 વર્ષ પૂરાં કરવાં જ પડશેઃ અદાલત
મુક્તિની તારીખ જણાવવાની અરજી ફગાવી
અબુ સમાજના પાયાને હચમચાવી દે તેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે, રાહત ન મળે
મુંબઇ : અબુ સાલેમે જેલમાં પચ્ચીસ વર્ષની કેદ પૂરી કરવી જ પડશે તેમ મુંબઈની એક વિશેષ કોર્ટે જણાવ્યું છે. અબુ સાલેમે પોતાને ચોક્કસ કઈ તારીખે મુક્તિ મળશે તે જણાવવા માટે જેલ તંત્રને આદેશ આપવા અરજી કરી હતી. પરંતુ, અદાલતે આ અરજી ફગાવી દીધી હતી.
અદાલતે સાલેંમની અરજી ફગાવતાં કહ્યું હતું કે અબુ સાલેમ મુંબઈ તથા તેનાં પરાં વિસ્તારોમાં સરાકરી સંસ્થાનો, જાહેર જગ્યાઓ તથા ભીડ ધરાવતાં સ્થળોએ બોમ્બ વિસ્ફોટો સર્જી સમાજના પાયા હચમચાવી દે અને જોખમ સર્જે તેવાં અતિશય ઘાતક અને ગંભીર કૃત્યમાં દોષિત પુરવાર થયો છે.
હાલ સાલેમ ૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટો તથા એક બિલ્ડરની હત્યા એમ બે કેસોમાં પચ્ચીસ વર્ષની કેદ ભોગવી રહ્યો છે.
વિશેષ જજ વી. ડી. કેદારે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે સાલેમને ખાસ ટાડા કોર્ટ દ્વારા વિસ્ફોટોના કેસમાં દોષિત ઠેરવી આજીવન સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે પોર્ટુગલ સાથેની પ્રત્યાર્પણ સંધિ તથા કેન્દ્ર સરકારે આપેલી બાંહેધરીને ધ્યાને રાખી જુલાઈ ૨૦૨૨માં એક આદેશ આપી તેની આજીવન કેદની સજા ઘટાડીને મહત્તમ પચ્ચીસ વર્ષની મુદ્દતની કરી દીધી હતી.
નવેમ્બર ૨૦૦૫માં સાલેમનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું અને તેને બંને કેસમાં દરેકમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તે પછી સાલેમે સુપ્રીમ કોર્ટમાં પોતાની સજા ઘટાડવા માટે અરજી કરી હતી. સાલેમે આ અરજીમાં ભારત સરકારે પોર્ટુગલ સાથે કરેલી પ્રત્યાર્પણ સંધિનો હવાલો આપ્યો હતો જેમાં ભારતે પોર્ટુગલને બાંહેધરી આપી હતી કે સાલેમને મૃત્યુદંડ નહીં ફટકારવામાં આવે અને તેને મહત્તમ પચ્ચીસ વર્ષની જ સજા ફટકારાશે.
વિશેષ જજે નોંધ્યું હતું કે ખુદ સુપ્રીમ કોર્ટે પણ ૨૦૨૨માં તેના ચુકાદામાં ઉલ્લેખ કર્યો હતો કે સાલેમ જે પ્રકારના અતિશય ગંભીર ગુનામાં સંડોવાયેલો છે તે જોતાં આ અદાલત તેની સજાની મુદ્તમાં ઘટાડો કે રાહત આપી શકે નહીં.
આ રીતે વિશેષ જજે તારણ આપ્યું હતું કે સાલેમે જેલમાં પચ્ચીસ વર્ષની કેદ પૂરી કરવી જ પડશે.