દારૃની નીતિને કારણે 'આપ' ડૂબી ગઈ, પૈસા પર ધ્યાન કેન્દ્રીત કર્યું : અણ્ણા હઝારે
26 વર્ષ બાદ દિલ્હીને ભાજપે કબજે કર્યું
આપના કારમા પરાજય પર અરવિંદ કેજરીવાલ પર સામાજિક કાર્યકર્તાએ ચાબખા માર્યા
મુંબઈ - દિલ્હીમાં ભાજપનો થયેલા જ્વલંત વિજયની ઉજવણી મુંબઈમાં કરાઈ હતી. ૨૬ વર્ષથી વધુ સમય પછી આપ (આમ આદમી પાર્ટી)ને પછડાટ આપીને દિલ્હીને ભાજપે સર કરી દીધું છે. આ વિજય પર સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ આપના વડા અરવિંદ કેજરીવાલ પર નિશાન તાકતા કહ્યું કે જે એક સમયે અરવિંદ કેજરીવાલ માર્ગદર્શક હતા, પરંતુ તેમણે દારૃ નીતિ અને પૈસા પર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે 'આપ' ડૂબી ગઈ છે, એમ કહીને કેજરીવાલને અરીસો બતાવ્યો છે.
કેજરીવાલ પર કટાક્ષ કરતાં ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા અણ્ણા હજારેએ વધુમાં કહ્યું કે ઉમેદવારનું ચારિત્ર્ય સ્વચ્છ હોવું જોઈએ અને તેઓમાં બલિદાનના ગુણો હોવા જોઈએ.
દિલ્હીમાં યોજાયેલી વિધાનસભાની ૭૦ બેઠકમાંથી ભાજપ લગભગ ૪૮ બેઠક અને આપને ૨૨ બેઠક મળી છે. જ્યારે કોંગ્રેસ ખાતું ખોલાવી શકી નહીં.
હકીકતમાં દિલ્હીમાં જંતરમંતર પર કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ હાથ ધરેલી ઝુંબેશમાંથી જન્મેલી આમ આદમી પાર્ટીનો અરવિંદ કેજરીવાલે સ્થાપના કરી હતી.
લોકોએ તેમને સ્વચ્છ ચારિત્ર્ય વિશે અને પછી દારૃ વિશે વાત કરતાં જોયા છે. એમ ભ્રષ્ટાચાર વિરોધ ચળવળનું નેતૃત્વ કરનારા અણ્ણા હજારેએ રાલેગણ સિદ્ધિ ગામમાં પત્રકારોને જણાવ્યું હતું.
આપ હારી કારણ કે તે નિઃસ્વાર્થપણે લોકોની સેવા કરવાની જરૃરિયાતને સમજવામાં નિષ્ફળ ગઈ અને ખોટો રસ્તો અપનાવ્યો છે, એમ કહીને કેજરીવાલની આકરી ટીકા કરી હતી.
વર્ષ ૨૦૧૨માં આપ બનાવવાના નિર્ણય લીધા બાદ કેજરીવાલ અને હજારે અલગ થઈ ગયા હતા.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અને ઈડી અનુસાર વર્ષ ૨૦૨૧-૨૨ માટે દિલ્હી એક્સાઇઝ પોલીસીમાં ફેરફાર કરતી વખતે અનિયમિતતાઓ આચરવામાં આવી હતી અને લાઇસન્સ ધારકોને અનુચિત તરફેણ કરવામાં આવી હતી.
બલિદાનના ગુણે થકી ઉમેદવાર લોકોના વિશ્વાસ જીતે છે. તેઓને લાગે છે કે ઉમેદવાર તેમના માટે કંઈક કરી છૂટશે. હું આ કહેતો રહ્યો પણ 'આપ' વાળા તેને સમજી શક્યા નહીં, એમ અણ્ણા હઝારેએ જણાવ્યું હતું.