બાઈકને વાહનની ટક્કરથી ફલાયઓવર પરથી નીચે પટકાયેલા તરુણનું મોત
- અંધેરીના ગુંદાવલી મેટ્રો સ્ટેશન નજીક સવારે દુર્ઘટના
- ફલાયઓવર પરથી પસાર થતા સાયકલચાલકોએ ઘાયલ અન્ય યુવકને બચાવ્યો પણ નીચે પટકાયેલો તરુણ તેમની નજરે ન ચઢ્યો
મુંબઇ : અંધેરીમાં રહેતા બે તરુણ અંધેરી ફલાઇઓવર પરથી બાઇકમાં બેસી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક ઝડપી વાહને તેમની બાઇકને ટક્કર મારતા ૧૯ વર્ષનો તરુણ વિવેક યાદવ બાઇક પરથી ઉછળી ફલાયઓવર પરથી નીચે પટકાયો હતો જેમાં તેનું મોત થયું હતું. આ ઘટનામાં અમન યાદવ નામનો તેનો મિત્ર ગંભીર ઇજા પામ્યો હતો. તેને માથામાં ઇજા અને અનેક ફ્રેકચર થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત ગુંદવલી મેટ્રો સ્ટેશન પાસે બની હતી.
આ ઘટના બાદ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ સાઇકલ સવારોનું એક જૂથ પસાર થઇ રહ્યું હતું ત્યારે તેમણે અમનને પુલ પર જખમી અવસ્થામાં જોયો હતો અને તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે મૃતક વિવેક ક્યાં નજરે પડયો નહોતો. તે નીચે પટકાયો હોવાથી સાઇકલિસ્ટોની નજરમાં પડયો નહતો.
આ સંદર્ભે અંધેરીના સ્થાનિક એસીપી ડૉ. સોસલે અનુસાર વિવેક અને અમન બન્ને અંધેરી (ઇ)માં એક જ વિસ્તારમાં રહેતા હતા. શનિવારે વહેલી સવારે બન્ને બાઇક પર બેસી ગુંદવલી ફલાયઓવર ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારતા વિવેક ફલાયઓવર પરથી ઉછળી ૩૫ ફૂટ નીચે પટકાયો હતો. આ ઘટનામાં તેને ગંભીર ઇજા થઇ હતી. જ્યારે અમન ફલાય ઓવર પર પડયો હતો અનેતેને મલ્ટિપલ ફ્રેકચર થવાની સાથે જ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. વિવેકને ગંભીર ઇજાઓ થઇ હતી અને આ ઘટના બાદ તેને કૂપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં શનિવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ વિવેકનું મોત થયું હતું. આ સંદર્ભે એક સાઇકલ સવારે જણાવ્યું હતું કે ફલાયઓવર પર બેરિકેડ અથવા સંરક્ષણ દિવાલના અભાવે વિવેક બાઇક પરથી ઉછળીને ૩૫ ફૂટ નીચે પટકાયો હતો. આ ઉપરાંત વહેલી સવારે સ્ટ્રીટલાઇટ પણ બંધ હોવાથી અજાણ્યા વાહનોને બાઇક પરથી પસાર થતા બન્ને તરુણો નજરે પડયા નહીં હોય.
આ સંદર્ભે અંધેરી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે આઇપીસીની કલમ ૨૭૯ (રેશ ડ્રાઇવિંગ), ૩૦૪ (એ) (બેદરકારીથી મોત નિપજાવવું) ૩૩૮ (બેદરકારી પૂર્વક વાહન ચલાવી જીવ જોખમમાં મૂકવો) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.