Get The App

આઈએસ મોડયૂલમાં સામેલ માઈનિંગ એન્જનિયર યુવક વિસ્ફોટોનો નિષ્ણાત

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
આઈએસ મોડયૂલમાં સામેલ  માઈનિંગ એન્જનિયર યુવક વિસ્ફોટોનો નિષ્ણાત 1 - image


1 આરોપી ઈજનેરને  મલ્ટીનેશનલ કંપનીમાં વાર્ષિક 31 લાખનું પેકેજ 

સલ્ફ્યુરિક એસિડ  માટે સરકો, એસિટોન માટે ગુલાબજળ, હાઈડ્રોજન પેરોક્સાઈડ માટે શરબતનો કોડવર્ડ

મુંબઇ :  સ્પેશ્યલ કોર્ટે આઇએસઆઇએસના પૂણે મોડયુલ સાથે સંકળાયેલા આરોપીઓ સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી-એનઆઇએને ચાર્જશીટ નોંધાવવા માટે બીજીવાર સમય લંબાવી આપવાની ના પાડયા બાદ એનઆઇએ દ્વારા ચોથી નવેમ્બરે નોંધાવવામાં આવેલી ૪૦૦૦ પાનાની ચાર્જશીટમાં આરોપીઓ ટેકનોલોજીમાં નિષ્ણાત અને નાણાંકીય રીતે સદ્ધર હોવાની વિગતો જણાવવામાં આવી છે. 

એનઆઇએ દ્વારા નોંધાવવામાં આવેલી ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર પૂણે મોડયુલના આરોપીઓએ વિવિધ સ્થળે બોમ્બ ધડાકા કરવા માટે કરેલી આગોતરી તૈયારીમાં ડ્રોનનો તથા ગોપ્રો કેમેરાનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓએ પૂણે, કોલ્હાપુર અને સાતારા જિલ્લાના જંગલોમાં જઇ આઇઇડી ઉપકરણો દ્વારા બોમ્બ ધડાકા કરવાની તાલીમ પણ મેળવી હતી. 

પૂણે પોલીસે ૧૯ જુલાઇએ કોથરૃડમાંથી ટુ વ્હીલરની ચોરીના કેસમાં ઇમરાનખાન(૨૨),  યુનુસ સાકી(૨૭) અને શાહનવાઝને પકડી તેમની પૂછપરછ કરતાં તેમની પાસેથી ચોંકાવનારી માહિતી મળવાને પગલે કેસ બાવીસ જુલાઇએ  મહારાષ્ટ્ર એટીએસનો સોંપવામાં આવ્યો હતો. તેની પાસેથી આ કેસ બાદમાં  એનઆઇએને સોંપવામાં આવ્યો હતો. આ કેસના તમામ આરોપીઓ ટેકનિકલ બાબતોમાં સુસજ્જ હતા અને તેમાં પણ ૪૪ વર્ષનો ભીવંડીમાં રહેતો ઝુલ્ફીકાર અલી તો મલ્ટીનેશનલ આઇટી કંપનીમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર તરીકે વર્ષે ૩૧ લાખ રૃપિયાનો પગારદાર છે. આવી જ રીતે પૂણેનો ૩૦ વર્ષનો શાહનવાઝ સૈફુઝામા માઇનિંગ એન્જિનિયર છે અને તે વિસ્ફોટકોનું સારૃં જ્ઞાાન ધરાવે છે. 

ચાર્જશીટમાં જણાવાયું છે કે  જેમની ધરપકડ  કરવામાં આવી  છે તે  આરોપીઓ કદીર પઠાણ, ઇમરાનખાન, સાકી કાઝી, ઝુલ્ફીકાર અલી,શમિલ  નાચણ,આકીફ નાચણ, યુનુસ સાકી અને અન્ય નાસતાં ફરતાં ચાર શકમંદો તેમના ભાગેડું હેન્ડલર મોહમ્મદની સૂચના અનુસાર આઇએસઆઇએસની આતંકી પ્રવૃત્તિઓને ફેલાવતાં હતા. એનઆઇએએ જણાવ્યું હતું કે તેમની પાસેથી જપ્ત કરવામાં આવેલા એક્સેલ ડોક્યુમેન્ટમાં તેઓ વિસ્ફોટકો બનાવવા માટે વપરાતાં કોડ વર્ડનો ઉપયોગ કરતાં હોવાનું જણાયું હતું. સલ્ફ્યુરિક એસિડને તેઓ સરકો, એસિટોનને ગુલાબજળ અને હાઇડ્રોજન પેરોક્સાઇડને શરબત તરીકે કોડવર્ડમાં ઓળખાવતાં હતા. ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર રિઝવાન અલી નામના આરોપીએ ૧૩ મે ૨૦૨૨ના રોજ ૯૫,૦૦૦ રૃપિયાના ખર્ચે  રોયલ એન્ફિલ્ડ હિમાલયન બાઇક ખરીદી હતી. આ બુલેટ બાઇકનો ઉપયોગ મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં રેકી કરવા માટે થયો હતો. ઝુલ્ફીકાર અલી દ્વારા તેના સહઆરોપીઓેને વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે બે લાખ રૃપિયાનું ભંડોળ આપવામાં આવ્યું હતું જેમાંથી આ ખર્ચ કરવામાં આવ્યા હોવાનું મનાય છે. આરોપીઓ વચ્ચે થયેલાં સાત લાખ રૃપિયાના વ્યવહાર વિશે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું ચાર્જશીટમાં જણાવાયું હતું.



Google NewsGoogle News