પુણેમાં કોર્ટ પરિસરમાં જ પત્નીને 'આઈ લવ યુ' કહી યુવાને ઝેર ધોળ્યું
- પત્ની છૂટાછેડા લેવાની જીદને વળગી રહેતાં યુવકનું અંતિમ પગલું
- ફેમિલી કોર્ટમાં કાઉન્સેલિંગ માટે બન્નેને બોલાવાયા ત્યારે ફરીથી ઝઘડો થતાં સાથે રાખેલી બોટલમાંથી ઝેર પી લીધું
મુંબઈ : પુણેમાં શનિવારે બપોરે અહીંની એક ફેમીલી કોર્ટ પરિસરમાં ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક યુવાને તેની પત્ની સામે જ ઝેર ધોળી આત્મહત્યા કરી લીધી હતી. યુવાનનો પત્ની સાથે ઘરેલુ વિવાદ ચાલી રહ્યો હતો અને પત્નીએ તેની સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. જોકે, પતિ છૂટાછેડા લેવા માગતો ન હતો. પત્ની પોતાની છૂટાછેડાની જીદને વળગી રહેતાં આખરે યુવકે અંતિમ પગલું ભર્યું હતું.
પતિ પત્ની બન્નેને કાઉન્સેલિગ માટે બોલાવવામાં આવ્યા ત્યારે યુવાને આ અંતિમ પગલું ભર્યું હતું. જોકે યુવાને ઝેર ખાતા પહેલાં તેની પત્ની સામે 'આઈ લવ યુ' જેવા શબ્દો ઉચ્ચાર્યા અને ઝેર ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. એવું જાણવા મળ્યું છે કે યુવાનને પત્ની સાથે છૂટાછેડા લેવાની કોઈ ઈચ્છા નહોતી.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર પુણેના પાષાણ વિસ્તારમાં રહેતા સોહેલ યેનિધુરે (૨૮)નો તેની પત્ની સામે અવારનવાર વાદવિવાદ અને ઝઘડો થતો રહેતો હતો. આ વિવાદથી કંટાળી તેની પત્ની પિયર ચાલી ગઈ હતી અને તેણે પતિ સામે છૂટાછેડાનો કેસ કરી દીધો હતો. પત્નીએ કેસ કરી દેતા કોર્ટમાં આ બાબતે સુનાવણી ચાલી રહી હતી. સોહેલ તેની પત્નીને છૂટાછેડા આપવા માગતો નહોતો. જ્યારે તેની પત્ની તેની સાથે રહેવા તૈયાર નહોતી. આ દરમિયાન બન્ને વચ્ચે કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું હતું.
શનિવારે બપોરે બન્નેને શિવાજીનગરની ફેમિલી કોર્ટમાં કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કાઉન્સેલિંગ સેન્ટરમાં જ બન્ને વચ્ચે ફરીથી વિવાદ થયો હતો. ત્યારબાદ સોહેલે તેની પત્ની સામે જ ઝેર ગટગટાવી લીધું હતું. જોકે દરમિયાન પહેલાં તેણે પત્નીને 'આઈ લવ યુ' કહ્યું હતું અને તેની સામે જ ઝેરની બાટલી ગળા હેઠે ઉતારી ખાલી કરી નાંખી હતી. આ ઘટના બાદ તરત જ તેને પાસેની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ ઘટના બાદ સોહેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોનુસાર આ ઘટના બની ત્યારે સેકન્ડ સેટર-ડે હોવાથી કોઈ પરિસરમાં લોકોની હાજરી ખૂબ જ પાંખી હતી. અહીં હાજર લોકોએ પોલીસને જણાવ્યું હતું કે ઝેર ખાતા પહેલાં સોહેલે તેની પત્નીને 'આઈ લવ યુ' કહ્યું હતું. દેખીતી રીતે જ તે અગાઉથી ઝેરની બોટલ લઈને આવ્યો હતો. આ ઘટના બાદ સિનિયર પોલીસ નિરીક્ષક સાવંતે જણાવ્યું હતું કે આ સમગ્ર બાબતે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.