વસઈના યુવકે પિતાને ખંખેરવા પોતાનાં અપહરણનું નાટક રચ્યું
- પિતા પૈસા આપવા તૈયાર ન હોવાથી કાવતરું ઘડયું
- ત્રણ જણે અપહરણ કર્યું હોવાનું જણાવી પિતાને પેમેન્ટ કરવા કયુઆર કોડ પણ મોકલ્યો
મુંબઇ : વસઈ શહેરના વાલીવ વિસ્તારમાં આવેલ ફાધરવાડીમાં રહેતા ૨૦ વર્ષના એક યુવાને પિતા પાસેથી પૈસા પડાવવા પોતાના જ અપહરણનું નાટક ઘડી કાઢયું હતું. જોકે પોલીસે પિતાની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી અને યુવકને જ તાબામાં લીધો અને તેણે ઘડી કાઢેલા નાટકનો પર્દાફાશ કર્યો હતો.
આ સંદર્ભે વાલીવ પોલીસના જણાવ્યાનુસાર વાલીવ પોલીસના વસઈના ફાધરવાડી વિસ્તારના એક રહેવાસી પાસેથી ફરિયાદ મળી હતી કે તેનો પુત્ર સાતમી ડિસેમ્બરના ઘરની બહાર ગયો હતો પણ પાછો ફર્યો નથી. પોલીસે આ બાબતે યુવકના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ જ્યારે આ કેસની તપાસ કરી રહી હતી ત્યારે ફરિયાદીને તેના પુત્રનો ફોન આવ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે ત્રણ વ્યક્તિઓએ તેનું અપહરણ કર્યું છે અને તેને કેદમાં રાખ્યો છે. તેઓ ૩૦ હજાર રૃપિયાની ખંડણીની માગણી કરી રહ્યા છે અને જો આ રકમ નહીં આપવામાં આવે તો તેને મારી નાંખવામાં આવશે. આ સાથે જ પુત્રએ પિતાને પેમેન્ટ કરવા માટે કયુઆર કોડ પણ મોકલી આપ્યો હતો.
પોલીસે આ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈ ચાર ટીમો બનાવી તપાસને વેગ આપ્યો હતો. પોલીસે વસઈ, વિરાર, નાલાસોપારા વિસ્તારમાં યુવાનને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અંતે શનિવારે પોલીસને સફળતા મળી હતી અને યુવાનને વસઈ ફાટા વિસ્તારમાંથી શોધી કાઢયો હતો. પોલીસે જ્યારે આ યુવાનને વધુ પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે તે પિતા પાસે પૈસા માગતો હતો જે આપવા તેના પિતા તૈયાર નહોતા. આથી તેણે પિતા પાસેથી પૈસા પડાવવા અપહરણનું નાટક ઘડી કાઢયુયં હતું. આ ઘટના બાદ પોલીસે યુવાનને અટકાયતમાં લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.