પુણેમાં 77 હજારની નકલી નોટ સાથે જામનગરનો યુવાન ઝડપાયો
પોલીસને જોઈ ધરપકડ ટાળવા દોટ મૂકી
જામનગરના ગૌરવ પાસેથી રુ. 500ની 142 અને રુ. 100 ની 61 નકલી નોટો મળી
મુંબઈ - પુણે પોલીસે નકલી નોટો ફરતી કરવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાતના જામનગરના એક યુવકની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે રુ. ૫૦૦ની ૧૪૨ અને રુ. ૧૦૦ની ૬૧ નકલી નોટો એમ કુલ ૭૭ હજારની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આ કેસમાં જામનગરના રહેવાસી ગૌરવ રામપ્રતાપ સવિતા તરીકે થઈ છે. પોલીસ કોન્સ્ટેબલ લખન શેટેએ સમર્થ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે કાર્યવાહી કરતા સમર્થ પોલીસની ટીમે શુક્રવારે રાત્રે પુણેની તમામ ધર્મશાળાઓ પર કોમ્બિગ ઓપરેશન હાથ ધર્યું હતું. આમાં પોલીસને બાતમી મળી હતી કે પેઠમાં ઘંટદય મારુતિ મંદિર પાસે શકમંદ રહે છે અને તેની પાસે નકલી નોટો છે.
બાતમીના આધારે કામગીરી કરતા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. આ સમયે પોલીસને જોતા જ ગૌરવ ભાગી જવાની તૈયારીમાં હતો. જો કે તે ભાગે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડયો હતો.
વધુમાં તેની તપાસ કરતા તેની પાસેથી રુ. ૫૦૦ની ૧૪૨ અને રુ. ૧૦૦ની ૬૧ એમ કુલ રુ. ૭૭,૨૦૦ ની કિંમતની નકલી નોટો મળી આવી હતી.
પોલીસે નકલી નોટો રાખવા અને બજારમાં આ નકલી નોટો ફરતી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી અને આ નકલી નોટો તેની પાસે ક્યાંથી આવી. આ નકલી નોટોના રેકેટમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે વગેર ેઅંગે વધુ તપાસ હાથ ધરી હતી.