ગુજરાતના યુવકે સોશિયલ મીડિયા થકી મિત્રતા બાદ 400 યુવતીઓને છેતરી
થાએના 21 વર્ષના યુવકની લેડી વર્સિસ રિકી બહેલ જેવી સ્ટોરી
યશ કિંમતી ચીજો-પૈસા મેળવી ગોવાના કેસિનોમાં ઉડાડતો હતો, ગુજરાત, મુંબઈ ઉપરાંત દુબઈની યુવતીઓેને પણ છેતરી
મુંબઇ : સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ ભારત અને દુબઇની ૪૦૦થી વધુ તરુણીઓને છેતરનાર ગુજરાતના એક યુવાનની સાકીનાકા પોલીસે તાજેતરમાં ગુજરાતના ખેડા જિલ્લામાંથી ધરપકડ કરી હતી. યશ મૂલચંદાની (૨૧) નામનો આ યુવક છેલ્લા વર્ષનો કોમર્સનો વિદ્યાર્થી છે અને તેને જુગારનું વ્યસન લાગી ગયું હતું. તરુણીઓને છેતર્યા બાદ મળતી કિંમતી ચીજવસ્તુઓ રોકડ તે ગોવાના કેસીનોમાં જુગાર રમવા પાછળ ઉડાડતો હતો તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
મૂલચંદાની અંધેરીની એક ૧૬ વર્ષની તરુણીને ઇન્સ્ટાગ્રામ પર મળ્યો હતો. ટુંક સમયમાં બંને વચ્ચે સારી મિત્રતા બંધાઇ ગઇ હતી. ત્યારબાદ તરુણીએ મૂલચંદાનીને જોબ મળવી આપવા મદદ કરવાની વિનંતી કરી હતી. ફ્રૂટ જ્યુસ વેચતા ફેરિયાની પુત્રી એવી તરુણી મૂલચંદાનીને ૧૫ જાન્યુઆરીના સાકીનાકા વિસ્તારના અસલ્ફામાં નોકરી સંદર્ભે મળી હતી. ત્યારબાદ આરોપી તેને પવઇ, અસલ્ફા અને વિલેપાર્લે જેવી જગ્યાએ સાથે લઇ ગયો હતો. અહીં એક જગ્યાએ સિગારેટ પીવાનું કારણ જણાવી તે તરુણીને એક હોટલના છઠ્ઠા માળે લઇ ગયો હતો અને તરુણીએ પહેરેલી સોનાની ચેન જેવી જ હૂબહુ સોનાની ચેન તેને ભેંટ આપવા માગતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે તેનો મોંઘો આઇફોન પણ ઉધાર માગ્યો હતો.
દરમિયાન તરુણી વોશરૃમમાં ગઇ તે સમયે મૂલચંદાની તેનો કિંમતી સામાન લઇ રફૂચક્કર થઇ ગયો હતો તેવું તરુણીના પિતાએ પોલીસને જણાવ્યું હતું. આ સંદર્ભે પોલીસમાં ફરિયાદ થયા બાદ પોલીસે હોટલના સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતા અને મૂલચંદાનીનો ફોન ટ્રેકીંગ પર મૂકતા ગુજરાતના ખેડા જિલ્લાનું લોકેશન આવ્યું હતું. પોલીસે ત્યારબાદ નેટવર્ક ગોઠવી આરોપીની ગુજરાતના ખેડાથી ધરપકડ કરી હતી.
મૂલચંદાનીની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે છેલ્લા થોડા સમયમાં ઠગાઇ આચરી ભારત અને દુબઇની ૪૦૦ તરુણીઓ સાથે છેતરપિંડી કરી હતી. તેના પાસપોર્ટમાં પણ તેમે દુબઇની સતત આવ-જા કરી હોવાનું જણાયું હતું. ગોવામાં શરૃઆતમાં અમૂક જણ સાથે સફળતાપૂર્વક છેતરપિંડી કર્યા બાદ તેની હિંમત વધી હતી અને તેણે આ સીલસીલો ચાલુ રાખી સેંકડો તરુણીઓને છેતરપિંડીનો ભોગ બનાવી હતી. તેની સામે મુંબઇ, થાણે અને ગુજરાતમાં છ ગુના નોંધાયેલા છે. પોલીસે તેના પાસેથી છેતરપિંડી આચરી જમા કરેલી બે- લાખની કિંમતી ચીજ વસ્તુઓ પણ જપ્ત કરી હતી.