ચાલુ બાઈકે રીલ બનાવવા જતા અકસ્માતમાં યુવકનું મોત
- બીડમાં આ અકસ્માતમાં એક યુવક ઘાયલ
મુંબઇ : બીડમાં ચાલતી બાઈક પર સોશિયલ મિડીયામાં રીલ બનાતી વખતે એક યુવક બાઈક પરથી પડી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો આ અકસ્માતમાં બીજા યુવકને ગંભીર ઈજાઓ થતા તે ઘાયલ થઈ ગયો હતો. આ સંપુર્ણ ઘટના મોબાઈલ ફોનમાં કેદ થઈ ગઈ હતી.
ચાલકે નજર હટાવીને કાબુ ગુમાવ્યોઃ સમગ્ર રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું
પ્રાપ્ત માહિતી મુજબ, આ અકસ્માત ધુલે- સોલાપુર નેશનલ હાઈવે પર બીડ બાયપાસ વિસ્તારમાં થયો હતો. આ અકસ્માતમાં મૃતક અને ઘાયલ બંને યુવકો જાલનાના રહેવાસી હતા.
આ બંને યુવકા ે ધુલે - સોલાપુર નેશનલ હાઈવે પરથી તુળજા ભવાની મંદિરની મુલાકાત લેવા માટે ધારાશીવના તુલજાપુર વોર્ડમાં જઈ રહ્યા હતા. ધુલે - સોલાપુર નેશનલ બીડ બાયપાસ ક્રોસ કરતી વખતે આ અકસ્માત બન્યો હતો. આ અકસ્માતમાં અનિરુદ્ધ કલકુમ્બે (ઉં.વ. ૨૫)નું મોત નીપજ્યું હતું. તો મધુ શેલ્કે (ઉં.વ. ૩૦) ઘાયલ થયો હતો.
બાઈકની પાછળ રહેલ અનિરુદ્ધ મોબાઈલ પર રીલ બનાવતો હતો. તે સમયે બાઈક ચાલક શેલ્કે હાઈવે પરથી નજર હટાવીને મોબાઈલ ફોનમાં જોવા માટે પાછળ વળ્યો હતોે. તે જ સમયે શેલ્કેએ બાઈક પરનો કંટ્રોલ ગુમાવી બેસતા બાઈક રોડની રેલિંગ સાથે અથડાઈ ગઈ હતી અને બાઈક પલ્ટી ખાઈ ગઈ હતી. આ તમામ ઘટના મોબાઈલ ફોન પર કેદ થઈ ગઈ હતી.
આ અકસ્માત બાદ શેલ્કેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો પોલીસે અનિરુદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.