મુંબ્રા નજીક ભીડવાળી લોકલમાંથી પટકાતાં આર્કિટેક્ટ યુવકનું મોત
આકાશનું માસ્ટર્સ ડીગ્રી મેળવવાનું સપનું અધૂરું રહી ગયું
ડોંબિવલીથી ફોર્ટ રોજ કામ માટે આવવાના સંઘર્ષમાંથી છૂટવા યુવકે ફોર્ટમાં થોડાં દિવસ પૂર્વે જ ભાડા પર ફલેટ લીધો હતો
મુંબઈ : કલવા- કલ્યાણ રેલવે રૃટ પર વધુ એક પ્રવાસીએ ભીડને કારણે ટ્રેનમાંથી પડી જતા પ્રાણ ગુમાવ્યાની ઘટના બની છે. ૨૭ વર્ષનો આકાશ ગત બુધવારે (૧૩ નવેમ્બર) મુંબ્રા નજીક પાટા પર પટકાયો હતો. આજ રૃટ પર શુક્રવારે એક પોલીસ કોન્સ્ટેબલે અને મહિનાથી પણ ઓછાં સમય પહલાં ૨૦ વર્ષની આયુષી દોષીએ ભીડને લીધે જીવ ગુમાવ્યો હતો.
ડોંબિવલીમાં રહેતો આકાશ જયેશ નાગડા ફોર્ટની જાણીતી કંપનીમાં આર્કિટેક્ટ તરીકે કામ કરતો હતો. આકાશ મૂળ મહારાષ્ટ્રના ખમગાવનો રહેવાસી હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી પોતાની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ તેને ફોર્ટમાં નોકરી મળી હતી. જેના માટે આકાશ પોતાની માસીના ઘરે ડોંબિવલી ઈસ્ટમાં છેલ્લા છ મહિનાથી રહેતો હતો અને રોજની લાંબી અવરજવરમાંથી છૂટવા તેણે થોડાં દિવસ પહેલાં જ ફોર્ટ નજીક ભાડા પર ફલેટ પણ લઈ લીધો હતો અને આ મહિને તે ત્યાં રહેવા જવાનો હતો. ૧૩મી નવેમ્બરે દરરોજની જેમ આકાશ ડોંબિવલી સ્ટેશને સવારે ૮.૫૯ વાગ્યાની સીએસટી એસી લોકલ પકડવા માટે નીકળ્યો હતો પરંતુ આ ટ્રેન છૂટી જતા તેણે નોન- એસી લોકલમાં ચઢવું પડયું હતું. પીક અવર્સની ભીડને કારણે યુવકને દરવાજે લટકીને પ્રવાસ કરવો પડયો હતો. સવારે ૧૦ વાગ્યાની આસપાસ મુંબ્રા સ્ટેશન નજીક ટ્રેન પહોંચી ત્યારે આકાશ સંતુલન ગુમાવી ટ્રેક પર પટકાયો હતો. આકાશના માસીયાઈ ભાઈએ સમગ્ર ઘટનાની વિગતો આપતા કહ્યું હતું કે અકસ્માત બાદ આકાશના ઓફિસ આઈડી કાર્ડ વડે જીઆરપીએ બપોરે એક વાગ્યે આકાશના પિતાનો સંપર્ક કર્યો હતો. ખમગાવમાં રહેતા આકાશના પિતાએ અમને ઘટનાની જાણ કર્યા બાદ તુરંત અમે થાણે પાલિકા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં જીઆરપી આકાશને સારવાર માટે લઈ ગઈ હતી. બાદમાં આકાશને મૃત જાહેર કરાયો હતો.
જુવાન દિકરાને ગુમાવનારા શોકગ્રસ્ત પરિજનોએ લોકલ ટ્રનોમાં અસુરક્ષિત પ્રવાસ અને પ્રશાસન પર ભારે રોષ ઠાલવ્યો હતો. આકાશના ભાઈએ જણાવ્યું હતું કે આકાશ રોજના પ્રવાસના સંઘર્ષથી કંટાળેલો હતો અને તેણે કામના સ્થળ નજીક ઘર પણ શોધી રાખ્યું હતું. આર્કિટેક્ટરમાં માસ્ટર ડિગ્રી મેળવવા ઓસ્ટ્રેલિયા જવાનું તેનું સપનું સંપૂર્ણ રહી ગયું. બીજી બાજુ જીઆરપીએ અકસ્માત મૃત્યુનો કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.