મુલુન્ડના ગાર્ડનના ટોઈલેટમાંથી મહિલાનો અર્ધબળેલો મૃતદેહ મળ્યો

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
મુલુન્ડના ગાર્ડનના ટોઈલેટમાંથી મહિલાનો અર્ધબળેલો મૃતદેહ મળ્યો 1 - image


- મહિલાએ આત્મહત્યા કરી હોવાની શંકા

- થાણેની મહિલા ગાર્ડનમાં રેગ્યુલર આવતી હતી

મુંબઈ : મુલુંડના એક ગાર્ડનના શૌચાલયમાંથી થાણેમાં રહેતી એક ૩૪ વર્ષની મહિલાનો અર્ધ બળેલો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ મહિલાએ આત્મહત્યા કરી હોવાની શંકા સાથે  મુલુંડ પોલીસે  વધુ તપાસ શરૂ કરી છે.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર મુલુંડ (વે.)ના વસંત ગાર્ડનમાં આવેલ એક શૌચાલયમાં એક મહિલાનો મૃતદેહ અર્ધબળેલી અવસ્થામાં મળી  આવ્યો હતો. અહીંના લોકોએ જાણ કરતાં પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મહિલાને મુલુંડની એમ.ટી. અગ્રવાલ હોસ્પિટલમાં ખસેડી હતી. જો કે અહીં ફરજ પરના ડોકટરોએ મિલાને દાખલ કરવા પૂર્વે જ મૃત ઘોષિત કરી હતી. આ બાબતે મુલુંડ પોલીસે કરેલી વધુ તપાસમાં આ મહિલાનું નામ સ્નેહલ બોબડેે (૩૪) હોવાનું અને તે થાણેના રઘુનાથ નગરમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. 

મુલુંડ પોલીસે આ બાબતે હાલ અપમૃત્યુની  નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે આ બાબતે પોલીસને જાણવા મળ્યું હતું કે છેલ્લાં ઘણા સમયથી આ મહિલા ગાર્ડનમાં રેગ્યુલર ધોરણે અવરજવર કરતી હતી. પ્રાથમિક તપાસમાં આ મહિલાએ આત્મહત્યા કરી હોવાની શંકા પોલીસે વર્તાવી છે.


Google NewsGoogle News