મુંબઈના આકાશમાં મંગળ, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ, નેપ્ચુનનાં દર્શનનો નઝારો
અનંત અંતરિક્ષમાં ઉજવાયો છે સુંદરતમ નિસર્ગ ઉત્સવ
રૃપકડો શુક્ર અને મોટી-સુંદર પાઘડીધારી શનિ મહારાજ બંને નજીક આવશેઃ 13મી જાન્યુઆરીએ મંગળ અને ચંદ્ર પાસપાસે હશે
મુંબઇ - ૨૦૨૫ના નવા વર્ષના પ્રારંભમાં મુંબઇગરાં આકાશદર્શનનો યાદગાર આનંદ માણી શકશે. એટલે કે ૨૦૨૫ના જાન્યુઆરીમાં મુંબઇ સહિત આખા ભારતમાં અને સમગ્ર વિશ્વના અફાટ,અનંત આકાશમાં એક સાથે છ ગ્રહોનાં દર્શન થઇ શકશે. મુંબઇગરાં દરરોજ સાંજે દક્ષિણ દિશા(નૈઋત્ય)માં સૂર્યાસ્ત બાદ મંગળ, ગુરુ,શુક્ર,શનિ, યુરેનસ,નેપ્ચુનને નિહાળવાનો આનંદ માણી શકશે. મંગળ,ગુરુ,શુક્ર, શનિ તો નરી આંખે જોઇ શકાશે, જ્યારે યુરેનસ અને નેપ્ચુન પૃથ્વીથી ઘણા દૂરના અંતરે હોવાથી ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાશે.
૨૦૨૪ની ત્રીજી જૂને પણ અફાટ અંતરિક્ષમાં પ્રકૃતિનો અદભુત, અનોખો, યાદગાર ઉત્સવ ઉજવાયો હતો. નિસર્ગનો તે ઉત્સવ હતો આપણા સૂર્યમંડળના છ ગ્રહો(બુધ, મંગળ,ગુરુ, શનિ,યુરેનસ,નેપ્ચુન) ના ઉદયનો.
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)નાં સૂત્રોએ એવી માહિતીઆપી છે કે ૨૦૨૫ના જાન્યુઆરીમાં વિશાળ ગગનમાં પ્લેનેટ્સ પરેડ યોજાવાની છે. પ્લેનેટ્સ પરેડ એટલે આકાશમાં એક કરતાં વધુ ગ્રહોનો વારાફરતી ઉદય થવો. ખુશીની બાબત તો એ છે કે આ તમામ છ ગ્રહો આખા જાન્યુઆરી દરમિયાન જોઇ શકાશે. વળી, મંગળ, ગુરુ,શુક્ર,શનિ, યુરેનસ,નેપ્ચુન સાથે મોટી થાળી જેવડો ચંદ્રમા પણ જોઇ શકાશે.
શુક્ર અને શનિ બંને દક્ષિણમાં, ગુરુ આકાશમાં બરાબર મધ્યમાં, જ્યારે મંગળ થોડા અંશે પૂર્વમાં જોઇ શકાશે.
પ્લેનેટ્સ પરેડ દરમિયાન એક તબક્કે ઇવનિંગ સ્ટાર તરીકે ઓળખાતો રૃપકડો શુક્ર અને મોટી-સુંદર પાઘડીધારી શનિ મહારાજ બંન ે નજીક આવશે. જ્યારે ૧૩, જાન્યુઆરીએ સૂર્યમંડળનો લાલ ગ્રહ મંગળ અને ચંદ્ર પણ એકબીજાથી નજીક આવશે. ખગોળશાસ્ત્રની ભાષામાં આવી પરિસ્થિતિને ઓકલ્ટેશન(પિધાનયુતિ) કહેવાય છે. સરળ રીતે સમજીએ તો શશી(ચંદ્રનું સંસ્કૃત નામ) રાતા ગ્રહ મંગળ સામેથી પસાર થશે. આ સમગ્ર દ્રશ્ય ખરેખર અનુપમ હોય છે.
નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓ તેમના ગહન સંશોધનાત્મક અભ્યાસના આધારે કહે છે કે સૂર્યાસ્ત બાદ આકાશમાં રાત્રિના અંધકારમાં શુક્ર મોટા ઝળહળતા હીરાની જેવો સુંદર લાગશે.
૧૭ --૧૮, જાન્યુઆરીએ શુક્ર અને શનિ બંને એકબીજાની નજીક આવશે. શુક્રનો ઝળહળાટ અને શનિની રંગીન પાઘડી(જેને વલય કહેવાય છે)નું દ્રશ્ય પણ સુંદરતમ હશે. ખગોળશાસ્ત્રીઓના કહેવા મુજબ ૧૭ -૧૮, જાન્યુઆરીએ શુક્ર અને શનિ બંને ગ્રહો વચ્ચે સૌથી ઓછું અંતર હશે.
આખા જાન્યુઆરી દરમિયાન મંગળ ગ્રહ તેના પિતૃ તારા સૂર્યની બરાબર સામે હશે.મંગળનો રંગ રાતો હોવાથી તે નરી આંખે પણ સ્પષ્ટ રીતે જોઇ શકાશે.