લોકલમાં યુવતી સાથે ડાન્સ કરતા હોમગાર્ડનો વીડિયો વાયરલ
રેલવે પોલીસ જવાન સામે પગલાં લેશે
યુવતીને ડોરથી દૂર રહેવા જણાવ્યું પણ બાદમાં પોતે જ તેની સાથે નાચવા લાગ્યો
મુંબઈ : લોકલ ટ્રેનમાં એક યુવતીને ડાન્સ કરતી અટકાવવાને બદલે ે તેન ીસાથે નાચવા લાગેલા હોમગાર્ડનો વીડિયો વાયરલ થયો છે. રેલવે પોલીસે આ હોમગાર્ડ સામે કાર્યવાહી શરી કરી છે.
સેન્ટ્રલ રેલવેની લોકલમાં છઠ્ઠી ડિસેમ્બરે મોડી સાંજે સેકન્ડ ક્લાસ લેડીઝ કોચમાં આ વીડિયો રેકોર્ડ થયો હતો.આ ટ્રેન ચિંચપોકલી અને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનો વચ્ચે હતી ત્યારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર યુવતીએ પોતાનો ડાન્સ વીડિયો રેકોર્ડ કર્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે એસએફ ગુપ્તા નામના હોમ ગાર્ડે ડાન્સ કરતી યુવતીને શરૃઆતમાં ટ્રેનના દરવાજાથી સુરક્ષિત અંતર જાળવવાની સલાહ આપી હતી. થોડીક્ષણો પછી, હોમગાર્ડ પોતે જ તેની સાથે નૃત્ય કરવા લાગ્યો હતો.
લોકલ ટ્રેનોના મહિલા કોચમાં સલામતી માટે એક પોલીસ જવાનને ફરજ પર તૈનાત કરવામાં આવતા હોય છે. તેના ભાગ રુપે આ જવાનને આ મહિલા કોચમાં ડયૂટી સોંપાઈ હતી.
દરમિયાન કોચમાંના અન્ય પ્રવાસીઓએ આ દૃશ્ય રેકોર્ડ કરી લીધું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
જો કે, હોમગાર્ડના આ રીતે નૃત્યમાં જોડાઈ જવાની વાતને મોટા ભાગના નેટીઝન્સએ વખોડી હતી એટલું જ નહીં રેલવે અધિકારીઓનું પણ ધ્યાન આ વીડિયોએ ખેંચ્યું હતું. ડિવિઝનલ રેલવે મેનેજરે આરપીએફને આ મુદ્દે જાણ કરી હતી. બાદમાં ગર્વનમેન્ટ રેલવે પોલીસે જણાવ્યું હતું કે સંબંધિત હોમગાર્ડ સામે શિસ્ત ભંગ બદલ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.
જીઆરપીએ જણાવ્યું હતું કે દરેક પોલીસ તથા સંબંધિત એજન્સીઓના જવાનોને યુનિફોર્મમાં હોય ત્યારે પ્રોફેશનલ અને ગરિમાપૂર્ણ વર્તુણૂક જાળવવા તાકીદ કરાઈ છે.