અલીબાગ નજીક વિશિષ્ટ પ્રજાતિની રસ્ટી સ્પોટેડ કેટ જોવા મળી
અગાઉ પાલઘરમાં બીમાર હાલતમાં સ્પોટેડ કેટ મળી હતી
જંગલી બિલાડીના કુળનું સૌથી નાના કદનું પ્રાણી છે : 14 ઇંચ લંબાઇ અને ફક્ત દોઢ કિલો વજન હોય છે
મુંબઇ : મુંબઇ નજીકના અલીબાગ નજીકના વિસ્તારમાંથી રસ્ટી સ્પોટેડ કેટ મળી આવી છે. રસ્ટી સ્પોટેડ કેટ જંગલી બિલાડીના કુળનું સૌથી નાના કદનું પ્રાણી છે. વિશિષ્ટ પ્રજાતિની આ બિલાડી ભારતમાં બહુ ઓછાં સ્થળોએ જોવા મળે છે.ે
વન વિભાગનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે રસ્ટી સ્પોટેડ કેટ ભારતમાં સૌથી સુરક્ષિત ગણાય છે. એટલે કે આ નાના કદની બિલાડીના અસ્તિત્વને જાળવી રાખવા સરકારે કડક કાયદા કર્યા છે.
એક પ્રાણી પ્રેમી સંસ્થા દ્વારા થયેલા સર્વેક્ષણ દરમિયાન કદમાં બહુ નાનકડી આ બિલાડી અલીબાગ નજીકના કંકેશ્વર મહાદેવના મંદિર પાસેના પરિસરમાં શનિવારે જોવા મળી હતી. કંકેશ્વર મહાદેવનું મંદિર એક નાની ટેકરી પર છે. પ્રાણી પ્રેમી સંસ્થાના કાર્યકરો ટેકરીની તળેટીમાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ અને પક્ષીઓ વિશે સર્વેક્ષણ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓને આ વિશિષ્ટ પ્રજાતિની બિલાડી જોવા મળી હતી.
આમ તો અલીબાગ નજીકના વિસ્તારમાં ઘણાં વિશિષ્ટ પ્રજાતિનાં પ્રાણીઓ,પંખીઓ, પેટે સરકતાં પ્રાણીઓ, જળચરોથી લઇને ખાસ પ્રકારની વનસ્પતિઓ, ઘટાટોપ વૃક્ષો છે.
પ્રાણીઓ -પક્ષીઓના નિષ્ણાતોના કહેવા મુજબ અલીબાગ નજીકના વિસ્તારમાં પહેલી જ વખત રસ્ટી સ્પોટેડ કેટ જોવા મળી છે.
અગાઉ ગત ફેબુ્રઆરીમાં પણ પાલઘર જિલ્લાના તાનસા વાઇલ્ડ લાઇફ સેન્ક્ચુરી નજીકના એક ગામમાંથી રસ્ટી સ્પોટેડ કેટને બચાવી લેવામાં આવી હતી. ગામવાસીઓના કહેવા મુજબ તે બિલાડી એકલી અટૂલી પડી ગઇ હતી.સાથોસાથ અતિશય નબળી પણ જણાઇ હતી.
તબીબી પરીક્ષણ દ્વારા જાણવા મળ્યું હતું કે આ બિલાડીના શરીરમાંથી પ્રવાહી ઘણું ઓછું થઇ ગયું હતું. સાથોસાથ તે અતિશય ભૂખી પણ હતી.સાથોસાથ આ બિલાડીના શરીરનું તાપમાન પણ ઘણું સામાન્ય તાપમાન કરતાં ઘણું ઓછું થઇ ગયું હતું. પ્રાણીઓના ડોક્ટરે તેને શક્તિવર્ધક પ્રવાહી આપ્યું હતું. સમયસરની અને સારી સારવારથી તે રસ્ટી સ્પોટેડ કેટ બહુ થોડા દિવસમાં જ સાજી નરવી થઇ ગઇ હતી.
નિષ્ણાત પ્રાણીશાસ્ત્રીઓના કહેવા મુજબ રસ્ટી સ્પોટેડ કેટ ભારતનાં અને શ્રીલંકાનાં જંગલોમાં જોવા મળે છે. ગુજરાતના ગિરનારનાં જંગલો સહિત ડાંગ,વલસાડનાં જંગલોમાં આવી નાનકડી બિલાડી જોવા મળે છે. રસ્ટી સ્પોટેડ કેટનો રંગ રાતો હોય અને તેના શરીર પર ભૂખરા રંગના વાળ હોય.તેની આંખના ઉપરના હિસ્સામાં નાની ચાર રેખા હોય છે.આમાંની બે રેખા ગળા સુધી ફેલાયેલી હોય છે. વિશિષ્ટ પ્રજાતિની આ બિલાડીના માથાની બંને બાજુએ કાળા ઘેરા રંગના પટ્ટા હોય. તેનું પેટ સફેદ રંગનું હોય છે.
જંગલી બિલાડીના કુળના આ સૌથી નાના કદની બિલાડીની લંબાઇ ૧૪-૧૯ ઇંચ,પૂંછડી૧૧ ઇંચ, વજન ૧.૬ કિલો જેટલું હોય છે. નિશાચર ગણાતી આ બિલાડી નાનાં જંતુઓ,દેડકાં,ગરોળી વગેરેનો શિકાર કરીને આહાર કરે છે. જોકે ક્યારેક કોઇ મોટા કદનું હિંસક પ્રાણી જુએ તો પોતાના બચાવ માટે નજીકના વૃક્ષ પર પણ ચડી જાય.