અંધારામાં આગળ ઉભેલી ટ્રક છેલ્લી ઘડીએ દેખાઈ, કાર પલ્ટી જતાં એકનું મોત

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
અંધારામાં આગળ ઉભેલી ટ્રક છેલ્લી ઘડીએ દેખાઈ, કાર પલ્ટી જતાં એકનું મોત 1 - image


- સમૃદ્ધિ હાઈવે પર વાશિમ જિલ્લામાં અકસ્માત 

- સમૃદ્ધિ હાઈવે પર ઊભાં રહેલાં વાહન સાથે અથડામણની એક સરખી પેટર્ન છતાં પણ કોઈ ઉપાયાત્મક પગલાં નહીં

મુંબઈ : સમૃદ્ધિ હાઈવે પર થોડા સમય પહેલાં આરટીઓ દ્વારા અટકાવાયેલી ટ્રક સાથે મિની બસ અથડાતાં બાર લોકો માર્યા ગયા હતા. હવે ફરી એક ઊભી રહેલી ટ્રક છેલ્લી ઘડીએ દેખાયા બાદ ડ્રાઈવરે કાર સાઈડમાં  લેવા જતાં બેકાબૂ બની ગયેલી કાર ડિવાઈડર સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું જ્યારે ત્રણ ઘવાયા હતા. આ હાઈવે પર ઊભાં રહેલાં વાહનો સાથે પાછળનું વાહન અથડાવાના એકથી વધુ બનાવો છતાં પણ તંત્ર દ્વારા રિફલેક્ટર્સ ફરજિયાત બનાવવા સહિતનાં પગલાં લેવાતાં નથી તેના કારણે સતત જીવલેણ દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે.  

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર દિવાળી નિમિત્તે ચાર યુવાનો પુણેથી તેમના ગામે વર્ધા જવા કારમાં શનિવારે રા૬ે નીકળ્યા હતા. સમૃદ્ધિ મહામાર્ગ પર વાશિમ જિલ્લાના કારંજા ટોલનાકા પાસે નાગપુરની દિશામાં જતી લેન પર એક ટ્રકમાં ખામી સર્જાતા રસ્તાની એક બાજુએ આ ટ્રક ઊભી હતી. કારમાં સવાર યુવાનો અને ડ્રાઈવરોને આ દૂરથી આ  ટ્રક  નજરે પડી નહોતી. કારનો ડ્રાઈવર જ્યારે ટ્રકની એકદમ પાસે આવી ગયો ત્યારે તેને ટ્રક નજરે પડતા તેણે કારને અન્ય લેનમાં વાળવાનો પ્રયાસ કર્ય હતો. જો કે આ પ્રયાસમાં પુરપાટ વેગે પસાર થતી કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે જોશભેર અથડાઈ હતી અને ઉંધી વળી ગઈ હતી.

આ દુર્ઘટનામાં બર્દામાં રહેતો કૌસ્તુભ મુળે નામના યુવાનનું ઘટના સ્થળ જે મોત થયું હતું. જ્યારે અંકિત ગડકરી, કાર્તિક નિપોડે, સંદેશ ગાવડે નામના કારમાં સવાર અન્ય યુવાનો ગંભીર ઈજા પામ્યા હતા. આ યુવાનોને તરત સ્થાનિકો અને અન્યોએ વધુ ઉપચાર માટે અમરાવતીની એક હોસ્પિટલમાં ખસેડયા હતા.

મુંબઈથી નાગપુરને જોડતો ૭૦૧ કિ.મી. લાંબો સમૃદ્ધિ મહામાર્ગ કુલ ૧૦ જિલ્લામાંથી પસાર થયા છે. ગયા વર્ષે આ મહામાર્ગનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયા બાદ અહીં સતત અકસ્માતની ઘટના બનતી રહે છે. અહીં સતત બનતી અકસ્માતની ઘટનાને રોકવા પોલીસ અને પ્રશાસને વિવિધ ઉપાય યોજના ઘડી કાઢી છે તેમ છતાં અકસ્માતની ઘટના યથાવત રહેતા ઉચ્ચાધિકારીઓ પણ વિમાસણમાં મૂકાઈ ગયા છે.


Google NewsGoogle News