ભાડૂત કુટણખાનું ચલાવે તેટલા માત્રથી માલિક સામે ગુનો ન બનેઃહાઈકોર્ટ
મકાન માલિકને આ બાબતે જાણ હોવાના પુરાવા નથી
મકાન માલિકે પોતે ઘર ભાડે આપ્યું હોવાની પોલીસને જાણ કરી ન હતી તેથી ઈમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ કેસ થતો નથી
મુંબઈ : ભાડૂત ભાડાની જગ્યામાં દેહવ્યવસાય ચલાવતો હોય તો એટલા એકકારણમાત્રને લીધે મકાનમાલિક સામે ગુનો નોંધી શકાય નહીં, એમ બોમ્બે હાઈ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું.
કોર્ટે એમ પણ નિરીક્ષણ કર્યું હતું કે રજિસ્ટ્રર્ડ લિવ એન્ડ લાયસન્સ કરાર કરાયા હોવાનું સ્થાનિક પોલીસને જણાવવાનું મકાનમાલિક ભુલી ગયો હતો એ બાબત સરકારના પક્ષમાં જતી નથી કેમ કે આ બાબત ઈમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો બનતો નથી.
ન્યા. કર્ણિકે ૧૭ જાન્યુઆરીએ મહેશ અંધાળેને કેસમાંથી મુક્ત કર્યો હતો. મહેશ અંધાળેની જગ્યામાં દેહવ્યવસાય ચલાવવા બદલ દંપતીની ધરપકડ કરવામાં આવ્યા બાદ અંધાળે સામે પણ ગુનો નોંધાયો હતો. સેશન્સ કોર્ટે ૨૦૨૧માં મુક્તિ માટેની અરજી ફગાવ્યા બાદ અંધાળેએ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી.
૨૦૧૯માં બિરેન અને તેની પત્ની ૧૬ વર્ષની બાંગલાદેશી કિશોરીને લાવીને અંધાળેના ભાડે લીધેેલા ઘરમાં દેહવ્યવસાય ચલાવતા હતા. બંને પક્ષ વચ્ચે લિવ સલાયસન્સના કરાર થયા હતા. બિરેને સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમ્યાન ભાડુ આપવાનું બંધ કર્યું હતું, દરમ્યાન પાડોશીઓએ તેને જાણ કરી હતી કે તેમના ઘરે માણસો આવ-જા કરતા દેખાય છે. અંધાળેએ કરાર તોડીને દંપતીને જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું.
સરકારી પક્ષે દલીલ કરી હતી કે અંધાળેએ જગ્યા ભાડે આપી હોવાથી તે પણ જવાબદાર છે અને તે પોલીસને જાણ પણ કરી નહોતી.
કિશોરીના નિવેદનમાં અંધાળેની સંડોવણી દર્શાવાઈ નથી. કોર્ટે પણ એ વાતની નોંધ કરી હતી કે અંધાળે આ બાબતથી વાકેફ હોવાના કોઈ પુરાવા નથી.