જે બાળકીનો હાથ દાનમાં મળ્યો તેના ભાઈને હવે મુંબઈની ટિનેજર રાખડી બાંધશે
સુરતની 9 વર્ષની રિયાના હાથનું મુંબઈની 15 વર્ષની તરુણીને ટ્રાન્સપ્લાન્ટ
ગોરેગાંવની તરુણીને વીજ આંચકાથી દાઝ્યા બાદ ગેંગરીન થઈ જતાં હાથ કાપવા પડયા હતા, મુંબઈમાં સંભવતઃ વિશ્વનું સૌથી નાની વયે શોલ્ડર ટ્રાન્સપ્લાન્ટ
મુંબઈ : મુંબઈના ગોરેગાંવની તરુણીને સુરતની નવ વર્ષની બાળકી રિયાના હાથનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે . વિશ્વમાં આટલી નાની વયે આર્મ્સ શોલ્ડર ટ્રાન્સપ્લાન્ટનો આ પહેલો કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. મુંબઈની તરુણી હવે પોતાને જે બાળકીનો હાથ દાનમાં મળ્યો છે તેના ભાઈને દર રક્ષાબંધને રાખડી બાંધશે.
ટ્રાન્સપ્લાન્ટ બાદ આ તરુણીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યું હતું. ત્યારે તેનો સમગ્ર પરિવાર બહુ ભાવુક થઈ ગયો હતો. આ પરિવારે કહ્યું હતું કે સુરતની રિયાનો પરિવાર હવે અમારો જ પરિવાર છે અને તેમની સાથે આ હાથ થકી સંબંધ કાયમ રહેશે.
ગત સપ્ટેમ્બર મહિનામાં સુરતની હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી ૯ વર્ષીય સ્વર્ગસ્થ રિયા બોબી મિીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. જે સમગ્ર વિશ્વમાં સૌથી નાની ઉમરની એટલે કે ૯ વર્ષની બાળકીના હાથનું દાન કરવાની સૌ પ્રથમ ઘટના હતી. મિી પરિવારે પોતાની ૯ વર્ષીય દીકરીના હાથ સહિત ફેફસાં, લિવર, કિડની અને આખુંનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.
બ્રેઈન ડેડ જાહેર કરાયેલ રિયાના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોરેગાવમાં રહેતી ૧૫ વર્ષીય ટીનેજરમાં મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. ખભાના સ્તરથી વિશ્વનું આ સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું. આ કિશોરી હાલમાં મુંબઈમાં ધોરણ ૧૧ માં ભણી રહી છે. તેના માતા-પિતાનું તે એક માત્ર સંતાન છે. તેના પિતા એડવર્ટાઈઝિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ટીનેજર ૩૦ ઓક્ટોમ્બર ૨૦૨૨ના રોજ ઉત્તરપ્રદેશમાંઅલીગઢ ખાતે તેની બહેન સાથે અગાસીમાં રમતી હતી, ત્યારે અકસ્માતે ૧૧૦૦૦ કિલોવોટનો વાયર પકડી લેતા તેના બન્ને હાથ દાઝી ગયા હતા. જમણા હાથમાં ગેગરીન થઈ જવાને કારણે તેનો જમણો હાથ ખભાના સ્તરથી કાપી નાખવો પડયો હતો. ડાબા હાથમાં પણ ઘણી બધી ઈજાઓ થવાથી ડાબા હાથનું કાર્ય પણ ખુબ જ ઓછું થઇ ગયું હતું.
ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાળાએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'મુંબઈની હોસ્પિટલમાં રિયા મિીના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હત. આ તરુણીને ડિસ્ચાર્જ મળી ગયું છે. તરુણીના માતા-પિતાએ પણ દીકરીને જમણો હાથ મળ્યો હોવાથી ખૂબ આનંદમાં છે.
જયારે મુંબઈની આ ટીનેજરે કહયું હતું કે 'ખભાના સ્તરથી મારું ટ્રાન્સપ્લાન્ટ થવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. સ્વ. રિયાનો પરિવાર પણ મારો જ પરિવાર છે. સ્વ. રિયાના હાથના દાનને કારણે મારા જમણા હાથનું ખભાના સ્તર થી ટ્રાન્સપ્લાન્ટ થયું અને તે હાથથી આવતાં વર્ષે રક્ષાબંધનમાંરિયાના ભાઈને રાખડી બાંધીશ.