માતા-પિતાને ભેટમાં મળેલી કાર ટીનેજર ચલાવવા નીકળ્યો, અકસ્માતમાં મોત

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
માતા-પિતાને ભેટમાં મળેલી કાર ટીનેજર ચલાવવા નીકળ્યો, અકસ્માતમાં મોત 1 - image


માતાપિતાને જાણ વિના 17 વર્ષનો કિશોર ડ્રાઈવ પર નીકળ્યો

ઉલ્લાસનગર-અંબરનાથ રોડ પર કાર વૃક્ષ સાથે અથડાતાં બિલ્ડર પરિવારના તરુણ અને તેની સાથેના મિત્રનું પણ મોત

મુંબઇ : થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં રહેતો એક કિશોર (૧૭) તેના માતા-પિતાને ભેટમાં મળેલી કાર લઈ મિત્ર સાથે ડ્રાઇવ પર નીકળ્યો હતો. જોકે એક અકસ્માતમાં આ કિશોર અને તેના મિત્રનું અકસ્માતમાં મોત થયું હતું. કિશોરના માતા-પિતાને ખબર જ નહોતી કે તેમનો પુત્ર કાર લઈને ડ્રાઇવ પર નીકળ્યો છે.

આ સંદર્ભે અંબરનાથ પોલીસ સ્ટેશનના ેક અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે ઉલ્હાસનગર-અંબરનાથ રોડ પર કાર એક ઝાડ સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનામાં કાર ઝાડ સાથે એટલી જોશભેર અથડાઈ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને બન્ને કારસવાર ખૂબ જ ખરાબ રીતે કારમાં ફસાઈ ગયા હતા. પોલીસે અન્યોની મદદથી બન્નેને ભારે જહેમત બાદ કારમાંથી બહાર કાઢ્યા બાદ તેમને ઉલ્હાસનગરની સેન્ટ્રલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ બન્નેને દાખલ કરવા પહેલા જ મૃત ઘોષિત કર્યા હતા.

મૃતક કિશોરની મોટી બહેને આ કાર તેના માતા-પિતાને તાજેતરમાં ગીફટમાં આપી હતી. પોલીસ સૂત્રોનુસાર મૃતકિશોરે તેના માતા-પિતાની જાણ બહાર કાર બહાર કાઢી હતી અને તેના એક મિત્રને સાથે લઈ આ લોકો અંબરનાથ રોડ પર આવ્યા હતા. અહીં કારની જોરદાર અથડામણ એક વૃક્ષ સાથે થઈ હતી જેમા કિશોર સહિત અન્ય મિત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

મૃતક કિશોર ૧૧માં ધોરણમાં ભણતો હતો. કિશોર ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો અને અહીંના એક પ્રતિષ્ઠિત બિલ્ડરના કુટુંબનો સભ્ય હતો. પોલીસે આ પ્રકરણે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.



Google NewsGoogle News