અંબરનાથમાં ગુરૃપૂર્ણિમાના દિવસે જ શિક્ષિકાના પતિએ વિદ્યાર્થિની પર કર્યો બળાત્કાર
ગુનો નોંધાયો હોવાની જાણ થતા જ પતિ ફરાર થઇ ગયો
પીડિતાની માતાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધ્યો
મુંબઇ : થાણે જિલ્લાના અંબરનાથમાં ખાનગી ટયુશન લેવા આવતી એક વિદ્યાર્થિની પર શિક્ષિકાના પતિએ જ જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. ગુરુપૂર્ણિમાને દિવસે જ બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. અંબરનાથના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે શિક્ષિકાના પતિ વિરૃદ્ધ ભારતીય ન્યાય સંદિતા અને પોક્સો કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર પીડિત સગીર વિદ્યાર્થિની અંબરનાથ (ઇ)માં એક ખાનગી ટયુશન કલાસમાં છેલ્લા બે વર્ષથી જતી હતી. આ ટયુશન કલાસમાં ભણાવતી શિક્ષિકાના પતિની વફદ્રષ્ટિ આ વિદ્યાર્થિની પર પડી હતી. ૨૧ જુલાઇના ગુરુપૂર્ણિમાના દિવસે ટયુશનમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. ટયુશન કલાસ પૂરા થયા બાદ શિક્ષિકાએ પીડિત વિદ્યાર્થિનીને ટયુશનની અમૂક વસ્તુઓ ઉપરની રૃમમાં મૂકી આવવા જણાવ્યું હતું. આ સમયે ઉપરના કલાસરૃમમાં શિક્ષિકાનો પતિ હાજર હતો. વિદ્યાર્થિની કલાસરૃમ બહાર જ સામાન મૂકીને પાછી ફરી રહી હતી ત્યારે જ આરોપીએ તેની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા અને અત્યાચાર ગુજાર્યો હતો.
આ ઘટનાને લીધે વિદ્યાર્થિની ખૂબ જ ગભરાઇ ગઇ હોવાથી તેણે આ બાબતની જાણ કોઇને કરી નહોતી. બીજા દિવસે વિદ્યાર્થિનીએ સામેથી હવેથી તે ટયુશન કલાસમાં નહીં જાય તેવું વાલીઓને જણાવ્યું હતું. આ વાત સાંભળી તેના વાલીઓને શંકા ગઇ હતી. અને તેમણે પુત્રીને પ્રેમથી આ બાબતનું કારણ પૂછતાં તેણે હુક્કિત જણાવતા તેના માતા પિતા ચોંકી ગયા હતા. આ ઘટના બાદ તરત જ તેમણે વિદ્યાર્થિની સાથે શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ધસી જઇ ફરિયાદ કરતા પોલીસે શિક્ષિકાના પતિ સામે બીએનએસની વિવિધ કલમો સહિત પોક્સો કાયદો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ દરમિયાન ગુનો દાખલ થયો હોવાની જાણ થતા જ શિક્ષિકાનો પતિ ફરાર થઇ જતા પોલીસે તેને પકડી પાડવાના પ્રયાસો આદર્યા છે.