ગોવંડીની શતાબ્દી હોસ્પિટલમાં કાર્ડિયોગ્રામ કાઢતો સ્વીપર
ટેકનિશિયન ન હોવાથી સ્વીપરને કામગીરી
માજી નગરસેવિકાએ બુરખો ઓઢી હોસ્પિટલમાં જઇને આ ભોપાળુ પકડયુ
મુંબઇ : ગોવંડીની મહાપાલિકા સંચાલિત શતાબ્દી હોસ્પિટલમાં દરદીના કાર્ડિયોગ્રામ કાઢવાની કામગીરી એક સ્વીપર નિભાવતો હોવાની ચોંકાવનારી હકિકત સામે આવી છે.
શતાબ્દી હોસ્પિટલમાં ઇ.સી.જી. (ઇકો કાર્ડિયોગ્રામ) એક સ્વીપર કાઢે છે એવી કેટલીય ફરિયાદો મળ્યા બાદ ભૂતપૂર્વ નગરસેવિકા રૃપસાના સિદ્દીકીએ જાતતપાસ કરવાનું નક્કી કર્યું હતું. નગરસેવિકા બુરખો ઓઢીને ગયા હતા અને ત્યાં કાર્ડિયોગ્રામ કઢાવવા આવેલી મહિલાના સગા તરીકે ઇ.સી.જી. માટેના રૃમમાં ગયા હતા. ત્યાં ખરેખર હોસ્પિટલના સ્વીપરે કાર્ડિયોગ્રામ કાઢયો હતો. સિદ્દિકીએ સિફ્તથી મોબાઇલમાં વિડિયો ઉતારી લીધી હતી.
ત્યાર પછી શતાબ્દી હોસ્પિટલના સિનિયર ડોક્ટરને આ બાબતની ફરિયાદ કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે હોસ્પિટલમાં ઇ.સી.જી. કાઢવા માટે ટેક્નિશિયન નથી. એટલે સ્વીપરને ટ્રેનિંગ આપીને આ કામ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ જવાબ સાંભળી માજી નગરસેવિકાએ બીએમસીમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.