પુણેમાં ધો.10ની વિદ્યાર્થિની હાર્ટ અટેકમાં મૃત્યુ પામી
છેલ્લા પેપરના આગલે દિવસે જ જીવનથી રજા લીધી
રંગપંચમી રમીને આવ્યા બાદ મૈત્રિણી સાથે ગપ્પાં મારતી વેળાએ અચાનક જ હુમલો આવ્યો
મુંબઈ : પુણેમાં ધો.૧૦માં ભણતી વિદ્યાર્થિનીનું હાર્ટ અટેકને લીધે મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થિની ૧૨મી માર્ચે રંગપંચમી મનાવીને આવ્યા બાદ પોતાની મૈત્રિણી સાથે વાતો કરતી બેઠી હતી ત્યારે જ અચાનક તેને હૃદયનો હુમલો આવતાં તે મૃત્યુ પામી છે. આ દીકરીની ધો.૧૦ની છેલ્લી પરીક્ષા બાકી હતી.
પુણેના ઈંદાપુર તાલુકાના એક ગામમાં સૃષ્ટી નામક આ ૧૬ વર્ષીય વિદ્યાર્થિની ૧૨ માર્ચે ઉત્સાહભેર રંગપંચમી રમી રહી હતી. રંગપંચમી રમાઈ ગયા બાદ તે પોતાની મૈત્રિણી સાથે ગપ્પા મારતી બેઠી હતી. તે દરમ્યાન સાંજે સાતની આસપાસ તેને અચાનક છાતીમાં દુઃખાવો થયો અને એટલો તીવ્ર હુમલો આવ્યો કે કોઈને કંઈ સમજાય તે પહેલાં જ તેનો દેહ નિષ્પ્રાણ થઈ ગયો હતો.
તેને તુરંત ડૉક્ટર પાસે લઈ જવામાં આવી પરંતુ ડૉક્ટરે તેને મૃત ઘોષિત કરી હતી. ૧૩મી તારીખે આ વિદ્યાર્થિનીનું ધો.૧૦નું છેલ્લું પેપર હતું. પરંતુ તે પહેલાં જ તે મૃત્યુ પામી જતાં દીકરીની યાદમાં આખા ગામમાં શોકકળા પ્રસરી ગઈ હતી.
અત્યારે ભાગદોડ ભર્યા જીવનમાં ગત કેટલાંક સમયથી હાર્ટ અટેકનું પ્રમાણ વધ્યું છે. અયોગ્ય આહાર, બદલાતી જીવનશૈલી, સતત ભાગદોડ વગેરેને કારણે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં બ્લોકેજ તૈયાર થાય છે અને તેથી હાર્ટ અટેકનું પ્રમાણ વધે છે.