નવી મુંબઈમાં કોલેજિયનો વચ્ચે મારામારીમાં વિદ્યાર્થીનું મોત
સામંત કોલેજની બહાર જ ઘર્ષણ
મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા 17 વર્ષીય આદિત્યનાં મોત બાદ અન્ય છ વિદ્યાર્થીની ધરપકડ
મુંબઈ : નવી મુંબઈના તુર્ભે ગામમાં આવેલ સામંત કોલેજમાં વિદ્યાર્થીઓના બે જૂથમાં વકરેલો વિવાદ લોહીયાળ બનતા ૧૭ વર્ષના એક વિદ્યાર્થી આદિત્ય ભોસલેનું મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં દેવાંગ ઠાકુર નામનો અન્યય એક વિદ્યાર્થી ગંભીર ઘવાતા તેને વધુ સારવાર માટે વાશીની પાલિકાની હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો છે.
આ પ્રકરણે એપીએમસી પોલીસે ગુનો નોંધી છ વિદ્યાર્થીઓને તાબામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર આદિત્ય ભોસલે અને અન્ય વિદ્યાર્થીઓ અહીંની સામંત કોલેજમાં ભણે છે. થોડા સમય પહેલાં કલાસના અમુક વિદ્યાર્થીઓમાં આપસમાં વિવાદ થયો હતો જેનું તે સમયે નિરાકરણ કરવામાં આવ્યું હતું.
જોકે બુધવારે કોલેજ છૂટયા બાદ ફરીથી આ વિવાદ વકર્યો હતો અને વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે છૂટ્ટા હાથની મારા- મારી થઈ હતી. આ સમયે વિદ્યાર્થીઓના એક જૂથે ભોંસલે અને ઠાકુરને ઢોર માર માર્યો હતો. જેમાં આ બન્ને વિદ્યાર્થીઓ ગંભીર ઈજા પામ્યા હતા.
આ બન્નેને તરત જ વાશીની પાલિકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઉપચાર દરમિયાન આદિત્ય ભોંસલેનું મોત થયું હતું. આ ઘટના બાદ એપીએમસી પોલીસે વિવિધ કાર્યવાહી કરી છ વિદ્યાર્થીઆની ધરપકડ કરી આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે.