સ્મોલ કોઝ કોર્ટના અધિકારી હોટલ સંચાલક પાસેથી 25 લાખની લાંચ લેતાં ઝડપાયા
સાઉથ મુંબઈની હોટલમાં જ છટકું ગોઠવી રંગે હાથ ધરપકડ
કોર્ટમાં દુભાષિયા તરીકે કામ કરતા અધિકારીએ હોટેલના માલિકી વિવાદના કેસની તરફેણમાં પતાવટ કરવા લાંચ માંગી
મુંબઇ : એન્ટી કરપ્શન બ્યુરો (એસબી)એ હોટેલના માલિક પાસેથી રૃા.પચ્ચીસ લાખની લાંચ માગવા અને સ્વીકારવા બદલ કોર્ટ ઓફ સ્મોલ કોઝ (લઘુવાદ કોર્ટ)ના અધિકારીની ધરપકડ ક રી છે. હોટેલના માલિકી હકકને લઇને ચાલતા વિવાદના કેસની હોટેલિયરની તરફેણમાં પતાવટ કરવા લાંચ માગવામાં આવી હતી. એમ ઓફિસરે મંગળવારે જણાવ્યું હતું.
ફરિયાદના આધારે એસીબીની એક ટીમે સોમવારે દક્ષિણ મુંબઇના એલટી માર્ગ વિસ્તારની એક હોટેલમાં છટકું ગોઠવ્યું હતું.જ્યાં આરોપી વિશાલ ચંદ્રકાંત સાવંતને લાંચની રકમ સ્વીકારતી વખતે રંગેહાથ પકડવામાં આવ્યો હતો. આરોપી કોર્ટ ઓફ સ્મોલ કોઝમાં અનુવાદક-દુભાષિયો છે.
ફરિયાદી હોટેલિયરે આરોપ કર્યો છે કે આરોપી સાવંતે તેની તરફેણમાં હોટેલના માલિકી હક્કોના પેન્ડિંગ કેસની પતાવટ કરવા માટે રૃા. પચ્ચીસ લાખની માંગણી કરી હતી.
પરંતુ હોટેલના માલિકે આ બાબતની એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબીની ટીમે તપાસ કરતા સાવંતે લાંચની માગણી કરી હોવાનું માલૂમ પડયું હતું.
આમ છેવટે એસીબીએ જાળ બિછાવીને સાવંતને લાંચ લેતા પકડી લીધો હતો. આરોપી અધિકારીની સામે ભ્રષ્ટાચાર સંબંધિત કલમ હેઠળ કેસ નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનાની વધુ તપાસ ચાલી રહી છે.
આરોપી વિશાલ સાવંતે અગાઉ કોઇની પાસેથી લાંચ લીધી છે કે કેમ એની પણ તપાસ થઇ રહી હોવાનું કહેવાય છે.