થાણેમાં રૃા.8 લાખની લાંચ માગનારો મહેસૂલ અધિકારી છટકી ગયો
થાણેમાં 1 કંપની પાસેથી લાંચ માગી હતી
જમીનના દસ્તાવેજો અપડેટ કરવા લાંચના રૃા.2 લાખ લેતા વચેટિયાની રંગેહાથ ધરપકડ
મુંબઇ : થાણેમાં એક કંપની પાસેથી રૃા.આઠ લાખની લાંચની માગણી કરનારા મહેસૂલ અધિકારીના વચેટીયાની એન્ટી કરપ્શન બ્યુરોએ ધરપકડ કરી છે. દરમિયાન મહેસૂલ અધિકારી ભાગી ગયો હતો પરંતુ તેના વચેટિયાને રૃા.બે લાખની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.
તાજેતરમાં કંપનીના માલિકોએ થાણેના શાહપુર તાલુકાના શેનવે ગામમાં પાંચ એકર જમીન ખરીદી હતી. તેની વિગતો સરકારી રેકોર્ડમાં અપડેટ કરવા માટે તલાટી (મહેસૂલ અધિકારી) જ્ઞાાનેશ્વર દેવીદાસ શિસોદેને અરજી કરી હતી, એમ એસીબીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હર્ષલ ચવ્હાણે જણાવ્યું હતું.
જોકે જ્ઞાાનેશ્વરે કામ કરવા માટે વચેટિયા અશોક દત્તાત્રે વરખુટે (ઉ.વ.૬૨) મારફત રૃા.આઠ લાખની માગણી કરી હતી. આ બાબતની એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું અને ગુરુવારે વરકુટેને રૃા.બે લાખ અને ડમી નોટોના બંડલ ધરાવતી બેગ સ્વીકારતાં પકડવામાં આવ્યો હતો.
જોકે મહેસૂલ અધિકારીએ એસીબીની કાર્યવાહીની જાણ થઇ જતા તે પલાયન થઇ ગયો હતો. ફરાર જ્ઞાાનેશ્વરને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.