નાંદેડમાં થાણેનું પુનરાવર્તનઃ 24 કલાકમાં 12 નવજાત સહિત 24 દર્દીનાં મોત

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
નાંદેડમાં થાણેનું પુનરાવર્તનઃ 24 કલાકમાં 12 નવજાત સહિત 24 દર્દીનાં મોત 1 - image


સરકારી હોસ્પિટલમાં દવા તથા સારવારના અભાવે મોતનું તાંડવ

બદલીઓના કારણે સ્ટાફ નથી, દર્દીઓ વધી જતાં દવાઓ ખૂટી પડીઃ મહત્તમ સર્પદંશના દર્દીઓ હોવાનો હોસ્પિટલનો બચાવઃ સીએમ પાસે મોડે સુધી વિગતો જ નહીં

મુંબઇ :  મહારાષ્ટ્રના થાણેના કલવાની સરકારી હોસ્પિટમલાં  ૨૪ કલાકમાં ૧૮  દર્દીનાં ટપોટપ મોતની ઘટનામાં સરકારી પંચ દ્વારા ભીનું  સંકેલતો અહેવાલ આવ્યાના ગણતરીના દિવસોમાં હવે નાંદેડની સરકારી હોસ્પિટલમાં પણ ૨૪ કલાકમાં ૧૨ નવજાત શિશુઓ સહિત કુલ ૨૪ દર્દીનાં મોત થયાંની ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. અનેક દર્દીનાં ટપોટપ મોતની ઘટના વિશે જાણવા મળતાં વિપક્ષી નેતાઓ ડો. શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં દોડયા હતા અને તપાસની માગણી કરી હતી. જોકે, હોસ્પિટલ સત્તાવાળાઓએ સમગ્ર ઘટના પર ઢાંકપિછોડાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આ બનાવને કમનસીબ ગણાવીને કહ્યું હતું કે હોસ્પિટલમાં ખરેખર શું થયું છે તેની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે અને જરુરી હશે તે તમામ પગલાં ભરાશે. 

હોસ્પિટલના  ડીન ડો. વાકોડેના  દાવા અનુસાર મૃત્યુ પામેલા મોટાભાગના ઓપીડીના દર્દી હતા. આથી, સારવારમાં ખામી કે સુવિધાના અભાવથી મોતનું તારણ ખોટું છે. આ ઉપરાંત ઘણાખરા દર્દી  સર્પદંશના કારણે મૃત્યુ પામ્યા છે. તેમણ કહ્યું હતું કે આ વિસ્તારમાં ૭૦-૮૦ કિમી દૂરથી દર્દીઓ સારવાર માટે આવે છે. દૂર દૂરથી આવતા દર્દીઓના કારણે ક્યારેક હોસ્પિટલ પર ભારણ વધી જાય છે તેના કારણે સ્ટાફ પહોંચી વળતો નથી અને દવાની પણ અછત વર્તાય છે. 

ડીન ડોક્ટર વાકોડેએ કબૂલ્યું હતું કે ૧૨ નવજાતનાં મોત થયાં છે. તેમા છ છોકરા તથા છ બાળકીનો સમાવેશ થાય છે. અન્ય દર્દીઓમાં મોટાભાગે સર્પદંશથી અવસાન પામેલા દર્દીઓ સામેલ છે. તેમણે સ્વીકાર્યું હતું કે તાજેતરમાં કેટલાક સ્ટાફની બદલી થયા પછી હોસ્પિટલમાં તકલીફ પડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ધાર્યા કરતાં વધારે દર્દીઓ આવી જતાં દવાઓ ખૂટી પડી હતી. કેટલીક દવાઓ સ્થાનિક બજારમાંથી મેળવવામાં આવી હતી. દર્દીઓના ધસારાના કારણે હોસ્પિટલનું મંજૂર બજેટ ખોરવાઈ ગયું છે. 

હોસ્પિટલ ખાતે ધસી ગયેલા કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ તથા અન્યોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દવાઓની અછત છે. પૂરતી સંખ્યામાં તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ નથી. હોસ્પિટલમાં આવશ્યક સુવિધાઓ પણ નથી. આ સંજોગોમાં ગરીબ આદિવાસી દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ હોસ્પિટલની ક્ષમતા ૫૦૦ દર્દીઓને સમાવવાની છે પરંતુ હોસ્પિટલમાં િ૧૨૦૦ દર્દીઓને દાખલ કરાયા છે.  ૭૦ ર્  દર્દીઓની હાલત ગંભીર છે. તાજેતરમાં કેટલીય નર્સની બદલી કરી દેવામાં આવી છે અને તેની જગ્યાએ ભરતી થઈ ન હોવાથી જગ્યાઓ ખાલી છે. હોસ્પિટલમાં સંખ્યાબંધ ઉપકરણો પણ કામ કરતાં નથી. હું નાયબ મુખ્યપ્રધાન અજિત પવારનું આ અંગે ધ્યાન દોરીશ. સરકારે તત્કાળ પગલાં ભરી પરિસ્થિતિ પર કાબૂ મેળવવો જોઈએ. 

એનસીપીનાં વર્કિંગ પ્રેસિડેન્ટ સુપ્રિયા સૂળેએ જણાવ્યું હતું કે એકાએક આટલી મોટી સંખ્યામાં દર્દીઓ મૃત્યુ પામે તે સાંયોગિક ઘટના હોઈ શકે નહીં. રાજ્ય સરકારે આ બાબતે ગંભીર તપાસ કરવી જોઈએ. 

હજુ ગત ઓગસ્ટમાં થાણેની કલવાની છત્રપતિ શિવાજી મહારાજ સરકારી  હોસ્પિટલમા ૨૪ કલાકમાં ૧૮  દર્દીનાં મોત થયાં હતાં. તે વખતે પણ સરકારી તંત્રએ એવો બચાવ કર્યો હતો કે હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી જતાં તમામ વ્યવસ્થાઓ તૂટી પડી હતી. આ હોસ્પિટલમાં પણ સ્ટાફનો અભાવ સહિતની ખામીઓ સામે આવી હતી. રાજ્ય સરકારે આ બનાવ અંગે એક તપાસ પંચની રચના કરી હતી પરંતુ આ તપાસ પંચે કોઈની જવાબદારી નક્કી કરવાને બદલે ગોળ ગોળ વાતો કરી સમગ્ર બનાવમાં ભીનું સંકેલ્યું હતું.



Google NewsGoogle News