પુણે ડ્રગ રેકેટના માસ્ટર માઇન્ડ સામે રેડ કોર્નર નોટિસ જારી કરાશે
મુખ્ય ભેજાબાજ સંદિપ ધુનિયા મૂળ બિહારનો પણ બ્રિટિશ નાગરિક છે
ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકની અગાઉ ૨૦૧૬માં ડ્રગ કેસમાં ડીઆરઆઇએ ધરપકડ કરી હતી
મુંબઇ : પુણે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટના માસ્ટર માઇન્ડની ઓળખ પોલીસે કરી છે આ ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સામે રેડ કોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, એમ એક સિનિયર પોલીસ ઓફિસરે શુક્રવારે જણાવ્યું હતું.
પુણે, દિલ્હી સાંગલી સહિત અનેક શહેરોમાં પોલીસે સર્ચ ઓપરેશનમાં અંદાજે રૃા.૪૦૦૦ કરોડનો મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલામાં વૈભવ ઉર્ફે પિંટયા માને (ઉ.વ.૪૦), અજય કારોસીયા, હૈદર શેખ, ભિમાજી સાબળે, ડોમ્બિવલીના યુવરાજ ભૂજબળ દિલ્હીથી દિવેશ ભુતીયા (ઉ.વ.૩૯), સંદીપ કુમાર (ઉ.વ.૪૨), સાંગલીથી આયુબ મકાનદારની ધરપકડ કરવામાં આવી છે.
આ રેકેટનો માસ્ટર માઇન્ડ મૂળ બિહારનો બ્રિટિશ નાગરિક સંદિપ ઉર્ફે સની ધુનિયા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસને તેનો ફોટો મળ્યો છે.
વર્ષ ૨૦૧૬માં ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા એક ઓપરેશનમાં સંદિપની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી મોટા પ્રમાણમાં મેફેડ્રોન મળી આવ્યું હતું. પુણેના કુરકુંભ એમઆઇડીસીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેને યેરવડા જેલમાં રાખવામાં આવ્યો હતો. તે આરોપી વૈભવ માને અને હૈદરના સંપર્કમાં હતો જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે ફરી ડ્રગ રેકેટ શરૃ કર્યું હતું. હાલમાં તે પરિવાર સામે લંડનમાં રહેતો હતો.
આ રેકેટનો પર્દાફાશ થયા બાદ સંદિપ નેપાળ થઇને કુવૈત ભાગી ગયો હોવાનું કહેવાય છે. પુણે પોલીસની જુદી જુદી ટીમ તેની શોધખોળ કરી રહી છે. પોલીસે તેની સામે લુક આઉટ નોટિસ જારી કરી છે. હવે રેડ કોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
જેલમાં મળેલા આરોપીઓનો તે ડ્રગ્સ કુરિયર તરીકે ઉપયોગ કરતો હતો. દિલ્હીમાં જપ્ત કરાયેલા મેફેડ્રોનને કન્ટેનરમાં પુણે લાવવામાં આવી રહ્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પુણે પોલીસે પુણે, દિલ્હી, સાંગલીમાં દરોડા પાડીને બે હજાર કિલો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો. દિલ્હીની કુરિયર કંપની દ્વારા રેડી-ટુ-ઇટ ફૂડ પેકેટમાં મેફેડ્રોનની લંડનમાં દાણચોરી કરવામાં આવતી હતી. આ સિવાય મીઠાના પેકેટમાં મેફેડ્રોન ભરીને વેચવામાં આવતું હતું.
પુણે કુરકુંભ એમઆઇડીસીમાં આવેલી કંપનીમાં મેફેડ્રોન બનાવવામાં આવતું હતું. આરોપીઓ મેફેડ્રોનની દાણચોરી માટે લંબા બાલ, મુંબઇ કા બંદર, ન્યૂ પુણે જોબ જેવા કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. એમડી ડ્રગ બનાવવાના ફોર્મ્યુલા માટે ન્યુ પુણે જોબ કોર્ડવર્ડ હતો. આવી જવાબદારી યુવરાજ ભુજબળને સોપવામાં આવી હોવાનું કહેવાય છે. કેમેસ્ટ્રીમાં પીએચડી થયેલા યુવરાજની ડોમ્બિવલીથી ધરપકડ કરાઇ હતી.
સાંગલીથી ગોવા ડ્રગની સપ્લાય
સાંગલીમાંથી જપ્ત કરવામાં આવેલા મેફેડ્રોનના જથ્થાને ગોવામાં પણ મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પુણેથી આ ડ્રગની દિલ્હી થઇને પંજાબ, હરિયાણામાં દાણચોરી કરાઇ હોવાની શંકા છે. અગાઉ પુણેમાં મેફેડ્રોન મળી આવ્યા બાદ આરોપીની પૂછપરછ કરતા સાંગલીની લિંક મળી હતી પછી સાંગલીના કુપવાડમાં દરોડા પાડીને ૧૪૦ કિલો મેફેડ્રોન કબજે કરવામાં આવ્યું હતું. અહીં મીઠાની આડમાં મેફેડ્રોનની દાણચોરી કરાતી હતી. મેફેડ્રોન ગોવામાં વેચવા માટે મોકલવામાં આવ્યું હતું.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કેસની તપાસ કરી શકે છે
પુણે ડ્રગ રેકેટનું દિલ્હી, સાંગલી, ગોવા, લંડનનું કનેકશન બહાર આવ્યું છે. આ મામલાના દુબઇ કનેકશનની પણ તપાસ થઇ રહી છે. આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમ તપાસ કરશે એવી ચર્ચા થઇ રહી છે.