નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીના સ્વાંગમાં રૂ.30 લાખની ખંડણી માંગી
વેબ સિરિઝ જોઈને મહિલાનું અપહરણ કરી
ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ દ્વારા પીડિતા સાથે ભોજપુરીમાં વાતચીત કરી
મુંબઈ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના અધિકારીના સ્વાંગમાં મહિલાનું અપહરણ કરી રૂ.૩૦ લાખની ખંડણી માંગનારા મહિલા સહિત બે આરોપીને નાગપુર પોલીસે ઝડપી લીધા છે. વેબ સિરિઝ જોઈને આરોપીએ ગુનાનું કાવતરું ઘડયું હતું, એમ શનિવારે ઓફિસરે જણાવ્યું હતું.
આરોપી સ્વપ્નીલ દિલીપ મારસ્કોલ્હે (ઉં.વ.૨૪) અને ચેતના (ઉં.વ.૨૩)ની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ આદરી છે. પોલીસે દિલીપ અને ચેતનાને કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે તેમને ૨૭ માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
રાણા પ્રતાપનગર પોલીસ સ્ટેશનના ઓફિસરે કહ્યું હતું કે '૨૦ માર્ચના ફરિયાદી સંજના (નામ બદલ્યું છે) ટુ- વ્હીલર પર ઘરે જઈ રહી હતી. ત્યારે આરોપી સ્વપ્નીલ અને ચેતનાએ તેને અટકાવીને પોતાની ઓળખ એનઆઈએ ઓફિસર તરીકે આપી હતી. તેમણે સંજનાને એનઆઈએની નકલી નોટિસ અને પિસ્તોલ બતાવી હતી.
ત્યારબાદ સંજનાનું અપહરણ કરી હિંગણામાં મહાજનવાડી વિસ્તારમાં તેમના ભાડાના ઘરમાં લઈ ગયા હતા. જ્યાં તેના હાથ- પગ બાંધીને અંદર ગોંધી રાખી હતી. આરોપીએ સંજનાના પરિવારને ફોન કરી રૂ.૩૦ લાખની ખંડણી માગી હતી.
આરોપીએ ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરીને સંજના સાથે ભોજપુરીમાં વાત કરી હતી. વેબ સિરિઝ જોઈને તેમણે અપહરણ અને ખંડણી વસૂલવાનું કાવતરું ઘડયું હતું. આરોપી સ્વપ્નીલ પર રૂ.ત્રણ લાખનું દેવું હતું. આથી તેને પૈસાની જરૂર હતી.
ફરિયાદી સંજના ગઈકાલે કિડનેપરથી બસને તેના માતા- પિતાને ફોન કરવામાં સફળ રહી હતી. પોલીસે મોબાઈલ ફોનના રેકોર્ડના આધારે દરોડા પાડી સંજનાને બચાવી લીધી હતી. ત્યારબાદ બંને આરોપીને પકડવામાં આવ્યા હતા.
આ બંને પર અપહરણ, લૂંટ, આર્મ્સ એક્ટ અને અન્ય કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે અન્ય કોઈ પાસેથી ખંડણી વસૂલી છે કે કેમ એની પણ તપાસ થઈ રહી છે.