સેક્સટોર્ર્શનમાં ફસાયેલા રેલવે કર્મચારીએ ટ્રેન હેઠળ ઝંપલાવ્યું

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
સેક્સટોર્ર્શનમાં ફસાયેલા રેલવે કર્મચારીએ ટ્રેન હેઠળ ઝંપલાવ્યું 1 - image


માટુંગામાં ટ્રેક પાસે જ સ્યુસાઈડ નોટ મળી આવી

1 મહિલા સહિત 3 જણે વાંધાજનક વીડિયો  વાયરલ કરવાની ચિમકી આપી 2 લાખ વસૂલ્યા

મુંબઇ :  મધ્ય રેલવેના માટુંગા રેલવે વર્કશોપમાં કામ કરતા એક ૩૬ વર્ષના કર્મચારીએ સેક્સટોર્શનથી કંટાળી માટુંગા સ્ટેશન પાસે ટ્રેન સામે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મૃતક જગદીશ કેશવ ડાભી પાસે મળી આવેલ સુસાઇડ નોટમાં તે સેક્સટોર્શનનો ભોગ બન્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. ડાભી પાસે મળી આવેલ સુસાઇડ નોટમાં જણાવવામાં આવ્યું હતું કે એક મહિલા સહિત કુલ ત્રણ જણ તેને તેના વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું જણાવી તેના પાસેથી સતત ખંડણી પડાવી રહ્યા હતા.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર ડાભી ડોમ્બિવલીમાં તેની ૫૬ વર્ષીય માતા અને ૩૭ વર્ષીય પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. ડાભી  દરરોજ સવારે છ વાગ્યે ઘર છોડી મૂકતો અને તેની ૮ થી ૪ની ડયુટી રહેતી. સોમવારે પણ તે રાબેતા મુજબ કામે આવ્યો હતો. જોકે આ દિવસે બપોરે દાદર રેલવે પોલીસ તેના ઘરે પત્નીને ફોન કરી જણાવ્યું હતું કે તેમના પતિનો અકસ્માત થયો છે અને તેમને સાયન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

ડાભીની પત્ની ઉષા જ્યારે હોસ્પિટલમાં પહોંચી ત્યારે તેને તેના પતિનો મૃતદેહ ઓળખવા લઇ જવામાં આવી હતી. દરમિયાન મૃતક ડાભી પાસેથી આ સમયે એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તે ફેસબુકની મદદથી એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો. બન્ને વચ્ચે વાતચીત અને મિત્રતા થયા બાદ મહિલાએ તેના અમૂક વીડિયો મેળવી લીધા હતા. ત્યાર બાદ આ મહિલાએ તેના અમૂક વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોક કરવાને નામે પૈસા પડાવવાની શરૃઆત કરી હતી. મહિલાએ ડાભીને તેની સામે કેસ  કરવાની ધમકી આપી દિલ્હી સાયબર ક્રાઇમના અધિકારીનું નામ આપ્યું હતું.  ત્યારબાદ ડાભીએ મહિલાના ખાતામાં ટુકડે-ટુકડે ૨ લાખની રકમ જમા કરી હતી તેમ છતાં મહિલાએ સતત રકમ માગી ડાભીને ધમકાવવાનું શરૃ જ રાખ્યું હતું.

વધુ પૈસા ચૂકવવાની સ્થિતિ ન હોવાથી તેમજ માતા-પત્ની અને બાળકો સામે બદનામી થશે તેવા ડરે ડાભીએ આત્મહત્યા કરી રહ્યો હોવાનું સ્પષ્ટ કર્યું હતું. દાદર રેલવે પોલીસે ડાભી ટ્રેક પર ઝુંપલાવી રહ્યો હોવાનું સીસીટીવી ફૂટેજ પણ માંટુગાથી મેળવ્યું હતું. પોલીસે આ પ્રકરણે અજાણી મહિલા, દિલ્હી સાયબર ક્રાઇમના કહેવાના અધિકારી અને એક અજાણ્યા યુટયુબર સામે આઇપીસી અને આઇટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ આદરી છે.



Google NewsGoogle News