ભિવંડીમાં હાઇવે પરના ખાડાએ યુવાન એન્જિનિયરનો ભોગ લીધો
મુંબઇ-નાશિક હાઇવે પર વડાલાના યુવકને અકસ્માત
મિત્રના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી પાછો ફરતો હતોઃ ખાડાને લીધે સ્કૂટર સ્લીપ થયા બાદ ટ્રકનું ટાયર શરીર પર ફરી વળ્યું
મુંબઇ - મુંબઇ-નાસિક હાઇવે પર ભિવંડી પાસે હાઇવે પર પડેલા ખાડાએ એક યુવાન એન્જિનિયરનો ભોગ લીધો હતો. વડાલામાં રહેતો અય્યાઝ શેમલે એક મિત્રની જન્મદિવસની પાર્ટીમાં હાજરી પૂરાવી સ્કૂટર પર મિત્ર સાથે પાછો ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો આ અકસ્માત ૧૯ જાન્યુઆરીના રોજ થયો હતો પણ ભિવંડીના નારપોલી પોલીસે બીજી ફેબુ્રઆરીના રોજ કેસ નોંધ્યો હતો. શેમલે સાથે સ્કૂટર પર પાછળ (પલિવન) બેઠેલા એક વ્યક્તિનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જે આ દુર્ઘટનામાં બચી ગયો હતો. પોલીસ હાલ આ અકસ્માતમાં સંડોવાયેલા ટ્રક ડ્રાઇવરને શોધી રહી છે.
આ બાબતે પોલીસ સૂત્રોનુસાર મૃતક ઐય્યઝ શેમલે અને તેના પાછળ બેઠેલા વ્યક્તિની ઓળખ તેના મિત્ર આદિલ અંસારી તરીકે કરવામાં આવી છે. આ બન્ને ૧૯ જાન્યુઆરીના એખ મિત્રની જન્મદિવસની પાર્ટી પતાવી પાછા મુંબઇ તરફ આવી રહ્યા હતા ત્યારે મુંબઇ-નાસિક હાઇવે પર શેમલેનું સ્કૂટર એક ખાડામાં સંપર્કમાં આવી ગયું હતું. આ ઘટનાને લીધે સ્કૂટર બેકાબૂ બની સ્લીપ થઇ જતા બન્નેએ સંતુલન ગુમાવ્યું હતું અને હાઇવે પર પટકાયા હતા. આ સમયે પાછળથી પૂરપાટ વેગે આવી રહેલા ટ્રકનું ટાયર શેમલેના ડાબા પગ પર ફરી વળ્યું હતું. આ ઘટનામાં તેનો ડાબો પગ પાછળના ટાયરમાં ફસાઇ ગયો હતો. જ્યારે અંસારીનું જેકેટ ટાયરમાં ફસાઇ જતા તેણે જેમતેમ જેકેટ ખેંચી તેનો બચાવ કર્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ શેમલેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ટ્રક ડ્રાઇવરને ટ્રક થોભાવવા જણાવ્યું હતું. જોકે તેના બદલે ટ્રકના ડ્રાઇવરે ઝડપ વધારી હતી અને પીડિતને ચારથી પાંચ મીટર સુધી ઢસડી ગયા બાદ ટ્રક ભગાવી મૂકી હતી.
આ ઘટનામાં ગંભીર ઘવાયેલા શેમલેને વહેલી સવારે ૪.૩૦ વાગ્યે મુંબઇની સાયન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો પણ ડોકટરોએ તેને દાખલ કરવા પહેલા જ મૃત ઘોષિત કર્યો હતો.
અચાનક બનેલી ઘટનાને લીધે પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ ટ્રકનો નંબર નોંધી શક્યા નહોતા. નારપોલી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬(૧) અને મોટર વેહિકલ એક્ટની કલમ ૧૩૪ (એ) ૧૩૪(બી) અને ૧૮૪ હેઠળ અજાણ્યા ટ્રક ડ્રાઇવર વિરૃદ્ધ કેસ નોંધ્યો હતો. આ અકસ્માત બાદ તાજેતરમાં મૃતકના મિત્ર અને પીડિતનો સંપર્ક કર્યા બાદ તેનું નિવેદન નોંધ્યું હતું અને ત્યાર બાદ રવિવારે કેસ નોંધવામાં આવ્યો હતો.