લૂંટારાઓએ ઝેરી ઈન્જેક્શન ભોંકી દેતાં પોલીસ જવાનનું મોત

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
લૂંટારાઓએ ઝેરી ઈન્જેક્શન ભોંકી દેતાં પોલીસ જવાનનું મોત 1 - image


સાયન- માટુંગા વચ્ચે જવાનનો મોબાઈલ તફડાવ્યો

પાટાની સમાંતર દોડતા લૂંટારાઓને પકડવા જવાને ચાલુ ટ્રેને નીચે ઉતરી પીછો કર્યો  તો તેને માર મારી, ઈન્જેક્શન ભોંકી મોઢામાં કોઈ  પ્રવાહી ઠાલવી દીધું

મુંબઇ : સાયન- માટુંગા રેલવે સ્ટેશન વચ્ચે પાટા પર ઉભા રહી દોડતી ટ્રેનમાં મોબાઇલ ફોન લૂંટી લેનારી ગેંગનો બહાદુરીથી સામનો કરવા જતા મુંબઇ પોલીસના લોકલ આર્મ્સ યુનિટના પોલીસ કોન્સ્ટેબલે જીવ ગુમાવ્યો હતો. ટ્રેનમાંથી કૂદકો મારી કોન્સ્ટેબલે નશાખોર લૂંટારાનો પીછો કર્યો હતો. પરંતુ આ ટોળકીએ કોન્સ્ટેબલ પર હુમલો કરી ઝેરી ઇન્જેક્શન અને લાલ રંગનું પ્રવાહી પીવડાવતા તેનું મોત નિપજ્યું હતું.

આરોપીઓને પકડવા પોલીસ જુદી જુદી ટીમ બનાવવામાં આવી છે. થાણેમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ વિશાલ પવારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.  પરંતુ ગઇકાલે પવારનું મૃત્યું થયું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું આ ઘટના ૨૮ એપ્રિલના રાતે ૯.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. સાદા કપડામાં વિશાલ ડયુટી પર જઇ રહ્યો હતો તે ટ્રેનમાં દરવાજા પાસે ઉભા રહીને મોબાઇલ ફોન પર વાત કરી રહ્યો હતો. સાયન- માટુંગા સ્ટેશન વચ્ચે ટ્રેન ધીમી પડી હતી. ત્યારે રેલવેના પાટા પર ઉભેલા લૂંટારાએ પવારની હાથ પર ફટકો મારીને તેનો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો.

લૂંટારા પાટા પર દોડી રહ્યા હતા.  ટ્રેન ધીમી હોવાથી પવારે પણ ટ્રેનમાંથી નીચે કૂદકો માર્યો હતો. તેણે લૂંટારાનો પીછો કર્યો હતો. થોડીદૂર ગયા બાદ લૂંટારાના અન્ય નશાખોર સાથીદારોએ પવારને પકજી લીધો હતો. પવાર અને લૂંટારાઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. આરોપીઓએ પવારને ધક્કે ચઢાવીને મારપીટ કરી હતી. દરમિયાન એક ડ્રગ પેડલરે પવારની પીઠ પર ઝેરી ઇન્જેક્શન માર્યું હતું. અન્ય આરોપીઓએ તેને પકડી રાખીને મોઢામાં લાલરંગનું પ્રવાહી પીવડાવી દીધું હતું.

ત્યાર પછી લૂંટારાઓ નાસી ગયા હતા. પણ પવાર બેભાન થઇ ગયો હતો. તે આખી રાત બેભાન હાલતમાં પડી રહ્યો હતો. બીજા દિવસે સવારે પવાર ભાનમાં આવ્યો હતો. પછી તે ઘરે પહોંચ્યો હતો. તેની તબીયત બગડી જતા પરિવારજનોએ થાણેની એક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં કોપરી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પવારનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ આ કેસ દાદર રેલવે પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પવારની તબિયત વધુ બગડી હતી અને તેનું મૃત્યુ  થયું હતું. રેલવે પોલીસે આ કેસમાં ઝીણવટભરી તપાસ શરૃ કરી છે. આરોપીઓને પકડવા ઘણી ટીમ બનાવી છે. પોલીસે રેકોર્ડ પરના ગુનેગારોની માહિતી મેળવી રહી છે. કોન્સ્ટેબલનું મોત ચોક્કસ કેવી રીતે થયું તે પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી જાણી શકાશે.



Google NewsGoogle News