પાકિસ્તાનથી એકે 47 લાવી ફિલ્મ શૂટિંગ વખતે સલમાનને ઠાર મારવાનો પ્લાન હતો
થાણે, નવી મુંબઈ, પુણે, રાયગઢ અને ગુજરાતમાં શસ્ત્રો સાથે શૂટર્સ તૈનાત હતા
બિશ્નોઈ ગેન્ગના 60થી 70 સાગરિતો દ્વારા બાંદરા નિવાસસ્થાન, ફિલ્મ શૂટ, પનવેલ ફાર્મ હાઉસ પર રેકી કરાતી હતી
હુમલા બાદ કન્યાકુમારીથી શ્રીલકા જળમાર્ગે નાસી જઈ વિદેશ ભાગવાના હતાઃ સગીર આરોપી સલમાન પર એટેક કરે તેવું નક્કી થયું હોવાનો ચાર્જશીટમાં ઘટસ્ફોટ
મુંબઈ : અભિનેતા સલમાન ખાનની હત્યાના કાવતરામાં સંડોવાયેલા આરોપીઓએ ફિલ્મના શૂટ દરમ્યાનપ તેના પર હુમલો કરવાની યોજના બનાવી હોવાનું પોલીસે કેસમાં દાખલ આરોપનામાને ટાંકીને જણાવ્યું હતું. જેલમાં બંધ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ તેના ગેન્ગના સભ્યોને ખાન પર હુમલો કરવા રૃ. પચ્ચીસ લાખની સુપારી આપી હોવાનું તપાસમાં જણાયું છે. એકે ૪૭ જેવા અદ્યતન પાકિસ્તાનથી લવાયેલા હથિયારનો વપરાશ કરવાની યોજના હતી.
મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ૨૧ જૂને પાંચ આરોપીઓ સામે ૩૫૦ પાનાંનું આરોપનામું નવી મુંબઈની પનવેલ શહેર પોલીસે દાખલ કર્યું હતું. આરોપીઓમાં ધનંજય તાપસિંહ ઉર્ફે અજય કશ્યપ (૨૮), ગૌતમ ભાટિયા (૨૯), વાસ્પી મેહમુદ ખાન ઉર્ફે ચાઈના (૩૬), રિઝવાન હુસૈન ઉર્ફે જાવેદ ખાન (૨૫) અને દીપક હવાસિહ ઉર્ફે જોન (૩૦)નો સમાવેશ થાય છે. લોરેન્સ બિશ્નોઈ, તેનો ભાઈ અનમોલ બિશ્નોઈ, સંપટ નેહરા અને ગોલ્ડી બ્રારને ફરાર આરોપી દર્શાવાયા છે. ખાન પનવેલ ફાર્મ હાઉસથી નીકળે ત્યાર અથવા ફિલ્મના શૂટ દરમ્યાન હુમલો કરવાની યોજના હતી.
આરોપનામામાં વિસ્તૃત યોજના, હુમલા અને નાસી જવાના માર્ગનો ઉલ્લેખ છે. મળેલી ગુપ્ત માહિતી, આરોપીઓના મોબાઈલ ફોન રેકોર્ડ, વોટ્સ એપ ટેચ, ઓડિયો અને વિડિયો કોલ્સ અને ટાવર લોકેશનનો સમાવેશ થાય છે. એપ્રિલમાં ખાનની હત્યાનું બિશ્નોઈ ગેન્ગનું કાવતરું પકડી પડાયું હતું.
લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના સભ્ય અજય કશ્યપ અને અન્ય આરોપીઓ વચ્ચેના વિડિયો કોલની વાતચીત જાહેર કરીને કાવતરું ખુલું પડાયું હતું. વાતચીતમાં મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, રાયગઢ અને ગુજરાતમાં ગોલ્ડી બ્રારના આદેશ અનુસાર શૂટરોને અદ્યતન શસ્ત્રો સાથે તહેનાત રખાયા હતા. અનમોલ બિશ્નોઈ અને રોહિત ગોદરાને બ્રારે હુમલો કરવા ૧૮ વર્ષથી નીચેના સગીરને કામે લગાવવા જણાવ્યું હોવાનું અધિકારીએ એફઆઈઆર ટાંકીને જણાવ્યું હતું. એફઆઈઆર અનુસાર કામ માટે જોન નામની વ્યક્તિને વાહન પૂરું પાડવાનું કામ સોંપાયું હતું.
હુમલા બાદ ગેન્ગના સભ્યો કન્યાકુમારી ભેગા થઈને શ્રીલંકા સમુદ્ર માર્ગે જવાના હતા. ત્યાંથી તેમણે અન્ય દેશોમાં તેમને મોકલવાની વ્યવસ્થા કરી હતી અનમોલ બિશ્નોઈ કેનેડા હોવાથી તેમના પ્રવાસની વ્યવસ્થા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર લોરેન્સ બિશ્નોઈ અને સંપત નેહરા ટોળકીએ ૬૦થી ૭૦ સભ્યોને ખાનની હિલચાલ પર નજર રાખવા બાંદરા નિવાસસ્થાન, પનવેલ ફાર્મ હાઉસ, ફિલ્મ શૂટિંગ લોકેશને રોક્યા હતા.
ખાનની હત્યા કરવાની ચોક્કસ બાતમીને પગલે ઓળખી કઢાયેલા ૧૭ આરોપી અને અન્યો સામે પનવેલ ટાઉન પોલીસ સ્ટેશને ૨૪ એપ્રિલે કેસ નોંધાયો હતો.
અજય કશ્યપ અને પાકિસ્તાની ડોગર નામની વ્યક્તિ વચ્ચે વિડિયો થયેલા વિડિયો કોલને પોલીસે શોધી કાઢ્યો હતો. પોલીસના ખબરી મનેલા ટોળકીના સભ્યની હાજરીમાં કશ્યપે કોલ કરેલો, એમ એફઆઈઆરમાં જણાવ્યું છે.
ગોલ્ડી બ્રારના ખાતામાં ૫૦ ટકા રકમ જમા કરાવ્યા બાદ પાકિસ્તાનથી એકે૪૭ સહિતના શસ્ત્રો મેળવવાની ચર્ચા કશ્યપે કરી હતી. શસ્ત્રો મળ્યા પછી બાકીની રકમ આપવાની વાત હતી. વિડિયો કોલમાં કશ્યપને ડોગરે ચારથી પાંચ શસ્ત્રો બતાવ્યા હતા જેમાં એકે ૪૭ અને અન્યોનો સમાવેશ હતો.