ફાર્મા કંપનીના અધિકારી ગોરેગાંવમાં સ્ત્રીમિત્રના ફલેટમાં મૃત હાલતમાં મળ્યા
ડોંબિવલીના રહીશ 49 વર્ષીય રવિ યાદવ પીએચડી થયેલા ઉચ્ચ શિક્ષિત
સ્ત્રીમિત્રનો દાવો, હું બીજા રુમમાં હતી ત્યારે તેણે ગળે ફાંસો ખાઈ લીધોઃ પડોશીની મદદથી મૃતદેહ ફેન પરથી ઉતારતાં નીચે ફસડાઈ જતાં લોહી વહ્યું
મુંબઇ : ડોંબિવલીમાં રહેતા ફાર્મા કંપનીના અધિકારીની લાશ ગોરેગાંવમાં તેમની સ્ત્રી મિત્રના ઘરેથી રહસ્યમય સંજોગોમાં મળી આવી હતી. સ્ત્રી મિત્રના દાવા અનુસાર પોતે અન્ય રુમમાં હતી ત્યારે આ મિત્રએ સિલિંગ ફેન પર લટકી જઈ આપઘાત કરી લીધો હતો. પોતે પડોશીની મદદથી તેનો મૃતદેહ નીચે ઉતારતાં તે ફસડાઈ પડયો હતો અને તેમાંથી લોહી વહ્યું હતું. જોકે, પોલીસે મૃત્યુના સંજોગો સહિતની બાબતોની તપાસ હાથ ધરી છે.
ડોંેંબિવલીના રહીશ ૪૯ વર્ષીય રવિ યાદવનો મૃતદેહ તા. ૨૪મીએ ગોરેગાંવ વેસ્ટની પ્રેમનગર સોસાયટી મ્હાડા કોલોનીના તેની સ્ત્રી મિત્રના ફલેટમાંથી મળી આવ્યો હતો. રવિ યાદવે ડોક્ટરેટ કરેલું છે અને તે એક ફાર્મા કંપનીમાં ઉચ્ચ પોસ્ટ પર ફરજ બજાવતો હતો.
મહિલાએ એવો દાવો કર્યો હતો કે યાદવે કથિત રીતે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. મહિલાએ વધુમાં પોલીસને જણાવ્યું હતું કે યાદવ હંમેશની જેમ તેના ફલેટમાં રહેવા આવ્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે તે લગભગ ૧૧ વાગ્યા સુધી બીજી રૃમમાં હતી. તે જ્યારે હોલમાં પાછી આવી ત્યારે તેણે જોયું કે યાદવને દુપટ્ટા બાંધી સીલિંગ ફેન સાથે લટકતો જોયો હતો.
મહિલાએ તેના નિવેદનમાં આગળ જણાવ્યું હતું કે તેણે એક પાડોશી મહિલાને બોલાવી તેણે મૃતદેહને પાંસો ખોલી નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ફાંસો ઢીલો પડી ગયો હતો અને યાદવ ફલોર પર ફસડાઇ પડયો હતો. પરીણામે લોહી વહેવા માંડયું હતું. આ દરમિયાન અન્ય પાડોશીઓએ સોસાયટીના ચેરમેનને આ વાતની જાણ કરી જેણે પોલીસને માહિતી આપી હતી.
પોલીસને યાદવના ગળાં સાથે ફાંસો વિટાળાયેલો મળી આવ્યો હતો. પોલીસે યાદવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતોય પોલીસે હાલ આ ઘટના બાબતે અકસ્માત મૃત્યુની નોંધ કરી છે. પોલીસ આ સમગ્ર ઘટના બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.