બેન્ક, મકાનમાલિક અને સ્કૂલની બેદરકારીનો લાભ નાઇજિરિયન ડ્રગ સ્મગલરે લીધો

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
બેન્ક, મકાનમાલિક અને સ્કૂલની બેદરકારીનો લાભ નાઇજિરિયન ડ્રગ સ્મગલરે લીધો 1 - image


3 દાયકાથી ભારતમાં  ડ્રગ્સનો  ધંધો કરતો નાઇજિરિયન  બોસમેન  ફરી  ઝડપાયો

એનસીબીએ દસ્તાવેજો ન ચકાસનાર બેન્ક અધિકારી અને મકાનમાલિકની ધરપકડ કરી 

મુંબઇ :  નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-એનસીબી-દ્વારા ઝડપી લેવામાં આવેલી પાંચ સભ્યોની ઇન્ટરનેશનલ ડ્રગ કાર્ટેલની પૂછપરછ દરમ્યાન જણાયું હતું કે બેન્ક અધિકારી, મકાન માલિક અને સ્કૂલે જરૃરી દસ્તાવેજો ચકાસ્યા વિના તેમની કામગીરી ચાલુ રાખી આ ટોળીના વડા બોસમેન માટે કેફી દ્રવ્યોની દાણચોરીના તમામ દરવાજા અનાયાસે ખોલી આપ્યા હતા. એનસીબીએ આ મામલે બેદરકારી દાખવનારા બેન્ક અધિકારી અને મકાનમાલિકની પણ ધરપકડ કરી હતી. 

એનસીબીના ડેપ્યુટી ડાયરેકટર જનરલ એસ.કે.સિંહે જણાવ્યું હતું કે અમારી પાસે બાતમી હતી કે નાઇજિરિયન ડ્રગ સ્મગલર પોલ ઇકેના ઉર્ફે બોસમેન વિદેશમાંથી કેફી દ્રવ્યો મેળવી તેને ગોવા, બેન્ગાલુરૃ,દિલ્હી અને હૈદરાબાદમાં વિતરિત કરે છે અને તે તેનો આ તમામ કારોબાર ખારઘરમાંથી ચલાવે છે. એનસીબીએ નવ સપ્ટેમ્બરે ખારઘરમાં તેના ઘર પર દરોડો પાડી બે કિલો કોકેઇન સાથે તેની ધરપકડ કરી હતી. બોસમેન પહેલીવાર ૧૯૮૯માં એનીબીના હાથમાં ઝડપાયો હતો. એ પછી ૨૦૦૧ અને ૨૦૦૬માં પણ તે પકડાયો હતો. તેને ત્રીજીવાર પકડવામાં આવ્યો તે પછી તે ૨૦૧૨સુધી જેલમાં હતો. એનસીબીના ઉચ્ચ અધિકારીએ  પણ આશ્ચર્ય  વ્યક્ત કર્યું હતું કે  બોસમેન વારંવાર ઝડપાયો હોવા છતાં તેને ડિપોર્ટ કરી નાઇજિરિયા પરત મોકલી દેવામાં આવ્યો નથી  એ અચરજની વાત છે. બોસમેનેે ભારતમાં રહીને જ તેનો કારોબાર ચાલુ રાખ્યો હતો. 

એનસીબીએ બોસમેનને ઘર ભાડે આપનારાં મીરાં રોડના મકાન માલિકની પણ ધરપકડ કરી હતી. આ મકાનમાલિકે યોગ્ય ચકાસણી કર્યા વિના જ બોસમેનને તેનું મકાન ભાડે આપ્પું હતું.મકાનમાલિકે  બોસમેનના પાસપોર્ટની ચકાસણી કર્યા વિના જ તેને મકાન ભાડે આપ્યું હતું.  કમાલની વાત તો એ છે કે બોસમેન નાઇજિરિયન મહિલાના નામે કાયદેસર રીતે ખોલવામાં આવેલા બેન્કના ખાતામાંથી નાણાંની હેરફેર કરતો જણાયો હતો. 

આ મામલે તપાસ કરતાં એનસીબીને જણાયું હતું કે જે બેન્ક મારફતે બોસમેન વહેવાર કરતો હતો તે બેન્ક ખાતેદાર મહિલાને વિદેશી નહીં પણ ભારતીય રહેવાસી ગણી ચાલતી હતી. વિદેશીઓ માટે જે ગાઇડલાઇન્સ નક્કી કરવામાં આવેલી છે તેનું પાલન કર્યા વિના જ આ ખાતું ખોલવામાં આવ્યું હતું. આ ખાતાનો ઉપયોગ કરી બોસમેન તેના બાળકોની શાળાની ફી ચૂકવતો હતો. સ્કૂલના સત્તાવાળાઓએ પણ બોસમેનના બાળકોને તેમની સ્કૂલમાં એડમિશન આપતી વખતે તેમના માતાપિતાની નાગરિકતા અને વીસા ચકાસ્યા નહોતાં. સ્કૂલે માત્ર આધાર કાર્ડને આધાર બનાવી આ ડ્રગ સ્મગલરના સંતાનોને સ્કૂલમાં એડમિશન આપી દીધું હતું. બાદમાં આ આધાર કાર્ડ બનાવટી જણાયું હતું. 

બોસમેન અને તેની ગેંગ નાઇજિરિયાથી  કોકેઇન ભારતમાં ઘુસાડતાં હતા અને ભારતમાંથી ટ્રામાડોલ નાઇજિરિયામાં ઘુસાડતા હતા. એનસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે જો પોલીસને જણાશે કે લોકો ઇરાદાપૂર્વક નિયમોનું પાલન કરતાં નથી તો તેમની સામે કેફી દ્રવ્યોની દાણચોરીમાં સહાય કરવા બદલ પગલાં ભરવામાં આવશે.  



Google NewsGoogle News