દોઢ વર્ષની બાળકી સાથે માતા ચીસો પાડતી રહી, નશેબાજ ચાલકે કેબ દોડાવી દીધી
મહિલાએ ઉતરવાનો પ્રયાસ કર્યો તો ડોર લોક કરી દીધુંં
અન્ય કાર ચાલકને ખ્યાલ આવી જતાં કેબને આંતરી આડી કાર ઉભી રાખી મા-દિકરીને બચાવ્યાં : ઉબરના ચાલક સામે ગુનો દાખલ
મુંબઇ : વાશીમાં ઉબર કેબના ચાલકે નશામાં છાકટા થઈ કાર દોડાવતાં મહિલા તથા તેની દોઢ વર્ષની બાળકીનો જીવ જોખમાયો હતો. આ મહિલાએ ડ્રાઈવરને કાર રોકવા તથા પોતાને ઉતરી જવું છે તેમ જણાવતાં દારુડિયા ચાલકે ડોર લોક કરી દીધાં હતાં અને ઉલ્ટાની કાર વધારે ઝડપથી દોડાવી હતી. આ મહિલાએ બચાવ માટે ચીસો પાડવા માંડી હતી. અન્ય એક કાર ચાલકને પરિસ્થિતિનો ખ્યાલ આવી જતાં તેણે આ કેબને ઓવરટેક કરી હતી અને કેબની આડે પોતાની કાર ઉભી રાખી દઈ મહિલા તથા બાળકીને બચાવી લીધાં હતાં. આ સમગ્ર ઘટના અંગે વાશી પોલીસ મથકે કારચાલક રામદાસ સુતાર સામે પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.
ચેમ્બુરમાં આવેલાં પોતાના પિયરથી કામોઢે સાસરે પરત ફરી રહેલી ૨૮ વર્ષીય માનસી સોનાવણેએ કેબ બુક કરાવી હતી. સોમવારે રાતના ૧૧ વાગ્યાની આસપાસ કેબમાં પ્રવાસ શરુ કર્યો હતો. માનસી સાથે દોઢ વર્ષની બાળકી પણ હતી.
આ ડ્રાઈવરે શરુઆતથી જ બેફામ કાર હંકારવા માંડી હતી. વાશી ટોલનાકા પાસે તેનો અન્ય ચાલક સાથે બિનજરુરી હોર્ન બગાડવા બાબતે ઝઘડો પણ થયો હતો. ડ્રાઈવરે જે રીતે વાત કરી તે પરથી માનસીને ખ્યાલ આવી ગયો હતો કે ડ્રાઈવર નશાની હાલતમાં છે. આથી તેણે ડ્રાઈવરને કહ્યું હતું કે પોતાને કારમાંથી ઉતરી જવ છે. તેણે બાળકી સાથે કેબમાંથી ઉતરી જવા પ્રયાસ પણ કર્યો હતો.
તેના કારણે ડ્રાઈવર વધારે છંછેડાયો હતો. તેણે કારનો દરવાજો લોક કરી દીધો હતો અને વધારે સ્પીડે કાર ચલાવી દીધી હતી. આથી માનસીએ ગભરાઈને ચીસો પાડવી શરુ કરી હતી.
આ જ રુટ પર જતી અન્ય એક કારના ચાલકે આ ચીસો સાંભળી હતી. તેણે ટોલ પ્લાઝા પાસે જ આ કેબને આંતરી તેની આગળ જ કાર ઉભી રાખી દીધી હતી. કેબ થોભતાં માનસી ફટાફટ તેમાંથી બહાર નીકળી ગઈ હતી. એટલી વારમાં કેબ ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.
વાશી પોલીસ મથકે આ અંગે ફરિયાદ અપાતાં પોલીસે રામદાસ સુતાર નામના કેબ ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.