અંગ્રેજી શાળામાં ન ભણાવી શકતા માતાએ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું
લાતૂરના પશુપાલક પરિવારમાં કરુણાંતિકા
મહિલા કૂવામાં કુદતા પહેલાં તેના પતિને વિડીયો કોલ કરી કહ્યું, દીકરીનું મોઢું છેલ્લી વાર જોઈ લો
મુંબઇ : પૈસાના અભાવે બંને બાળકોને અંગ્રેજી શાળામાં ભણાવવાનું શક્ય ન બનતાં લાતુરની ૨૫ વર્ષીય માતાએ પાંચ વર્ષની દીકરી સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.
આ ઘટના લાતુરના નિલંગા તહસીલના માલેગાંવમાં બની હતી. બુધવારે ઔરદ શાહજાની પોલીસ સ્ટેશનમાં આ મામલે અકસ્માત મોતની નોંધ કરવામાં આવી હતી.
આ ઘટનામાં ભાગ્યશ્રી વેંકટ હલસે (ઉ.વ. ૨૬) અને સમિક્ષા વેંકટ હલસે (ઉ.વ. ૫)નું મોત થયું હતું. વેંકટ પાસે દોઢ એકર જમીન છે અને તેની આજીવિકા મુખ્યત્વે બકરા પાલન પર આધારિત હતી. તેમજ વધુ આવક માટે ભાગ્યશ્રી પણ મજુરી કરતી હતી.
પ્રાથમિક તપાસ મુજબ, ભાગ્યશ્રી તેના પુત્ર સાર્થ ક અને પુત્રી સમીક્ષાને સીબીએસઈ સંલગ્ન ખાનગી શાળામાં ભણવા માટે મોકલવા માંગતી હતી. જો કે,પતિની આર્થિક ક્ષમતા ખરાબ હોવાને કારણે આ શક્ય ન હતું. આ કારણે તે છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી, એમ તેના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. ભાગ્યશ્રીએ ગયા વર્ષે તેની માતાને ગુમાવી હતી અને તેનાથી પણ તે હતાશ રહેવા લાગી હતી.
જેમાં મંગળવારે સાંજ ે સાડા પાંચ વાગ્યાના સુમારે ભાગ્યશ્રી તેની પુત્રી સમિક્ષા સાથે તેના ખેતરની પાસે અન્ય ખેતરના કૂવા પાસે જઈ આત્મહત્યા કરતા પહેલા તેણે તેના પતિ વેંકટ હલસેને વિડીયો કોલ કરીને છેલ્લી વાર પુત્રીનો ચહેરો જોઈ લેવાનું કહ્યું હતું. આ બાદ બંને મા- દિકરી કૂવામાં કૂદી પડી હતી અને બંને મોત થયા હતા. રસપ્રદ વાત એ છે કે, ભાગ્યશ્રીએ બહાર રમતા તેના પુત્ર સાર્થકને પણ સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાર્થક તેની માતા સાથે ન જતા રમવા માટે તેના મિત્રો સાથે નીકળી ગયો હતો. આથી તે બચી ગયો હતો.
આ ઘટના બાદ પોલીસે સ્થાનિક રહેવાસીઓની મદદથી બંને મૃતદેહોનેે બહાર કાઢ્યા હતા. પોલીસે આ મામલામાં અકસ્માતનો કેસ નોંધી હાલ વધુ તપાસ હાથ ધરી હતી.