પુણેમાં અકસ્માત સર્જનારી પોર્શેમાં એક ધારાસભ્યનો પુત્ર પણ હતો
નબીરાઓ વચ્ચે રેસિંગની લ્હાયમાં અકસ્માતનો આક્ષેપ
અકસ્માત બાદ કારમાંથી ભાગી છૂટનારા કોણ હતા તેના પર ઢાંકપિછોડોઃ સીબીઆઈ તપાસની કોંગ્રેસની માંગ
તરુણના લોહીના નમૂના બદલી નાખવા લાંચ લેનારા ડોક્ટર માટે ધારાસભ્ય સુનિલ ટિંગરેએ ભલામણ કરી હતી
મુંબઇ : પુણેમાં લકઝરી પોર્શે કાર દુર્ઘટના બાબતે દરરોજ નિત નવા આરોપો અને ખુલાસાઓ થઇ રહ્યા છે. આ પ્રકરણે હવે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના વડા નાના પટોલેએ એવો આરોપ મૂક્યો હતો કે ૧૯મેના રોજ જ્યારે પૂરઝડપે પોર્શે કારે બાઇકસવાર એક યુવક- યુવતીને અડફેટે લીધા ત્યારે એક ધારાસભ્યનો પુત્ર પણ પોર્શે ટાયકન કારમાં હાજર હતો.
પટોલેએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ બે વ્યક્તિઓ કારમાંથી ઉતરી ભાગી છૂટયા હતા. સરકારે જાહેર કરવું જોઇએ કે ભાગી
છુટનાર વ્યક્તિઓ કોણ હતા. આ સાથે જ પટોલેએ આ કેસની તપાસ સીબીઆઇ પાસે કરાવવાની પણ માગણી કરી હતી.
પટોલેએ વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે એ માનવાના પૂરતા કારણો છે કે અમૂક અગ્રણી રાજકારણીઓ સાથેના સંબંધોને કારણે અકસ્માત સર્જનારા બિલ્ડરના પુત્રને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પટોલેએ આરોપ મૂક્યો હતો કે સસૂન હોસ્પિટલના ડો. અજય તાવરે જેની સોમવારે આ કેસમાં સગીર આરોપીઓના લોહીના નમૂનાની અદલાબદલી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી તે એક રાજકારણી સાથે સંબંધ ધરાવે છે.
આ અગાઉ પણ પટોલેએ કહ્યું હતું કે આ જ હોસ્પિટલમાં ડ્રગલોર્ડ લલિત પાટીલને ફાઇવ સ્ટાર સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. સત્તાવાર રેકોર્ડ પરથી એવું પ્રસ્થાપિત થાય છે કે એક સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટના એક સભ્યએ ડો. તાવરેની (હોસ્પિટલના તબીબી અધિક્ષક) તરીકેની નિમણૂંકમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. પટોલેએ વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના લોકોએ જાણવા માગે છે કે તે ધારાસભ્ય અને તે કેબિનેટ મંત્રી કોણ છે જેણે ડો. તાવરેની ભલામણ કરી હતી. તેમણે એનસીપીના ધારાસભ્ય સુનિલ ટિંગરેનો ઉલ્લેખ કરતા આવું કહ્યું હતું.
આ પહેલા સોમવારે મહારાષ્ટ્રના તબીબી શિક્ષણ પ્રધાન હસન મુશ્રીફે માધ્યમોને જણાવ્યું હતું કે ૨૬ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ધારાસભ્ય સુનિલ ટિંગરેના કાર્યાલયમાંથી સસૂન હોસ્પિટલના અધિક્ષકના પદ માટે ડો. અજય તાવરેની ભલામણ કરવામાં આવી હતી. પાછળથી ઉંદરના દુખથી એક દર્દીનું મોત બાદ થયેલા વિવાદ પછી ડો. ટાવરેને અધિક્ષક તરીકે દૂર કર્યા હતાં.