સુરતના આધેડનું મુંબઈની હોટલમાં સગીરા સાથે દેહસંબંધ બાંધતાં મોત
સ્ટેમિનાની ગોળીનો ઓવરડોઝ લીધો હોવાની શંકા
સુરતમાં 14 વર્ષની તરુણીના પિતાની સારવારના ખર્ચમાં મદદ કરી હતી, હોટલમાં પુત્રી તરીકે ઓળખ આપી હતી
મુંબઇ : દક્ષિણ મુંબઇની ગ્રાન્ટરોડની હોટેલમાં સુરતથી આવેલા ૪૧ વર્ષીય આધેડનું ૧૪ વર્ષીય સગીરા સાથે દેહસંબંધ બાંધતા મોત નીપજ્યું હતું. જાતીય શક્તિ વધારવાની ગોળીના ઓવરડોઝથી યુવકે જીવ ગુમાવ્યો હોવાની શંકા છે.
મૃતકના તબીબી રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે, એમ પોલીસે કહ્યું હતું. ડીબી માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે છોકરીની માતાને બનાવની જાણ કર્યા પછી તે મુંબઇ આવી હતી. તેની પુત્રીને ખોટુ બોલીને મુંબઇ લાવવામાં આવી હતી એવો દાવો આ મહિલાએ કર્યો હતો. ૧૪ વર્ષીય પીડિતાની માતાની ફરિયાદના આધારે મૃતક સામે બળાત્કાર, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એકટ અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમ હેઠળ કેસ નોંધ્યો હતો.
સુરતમાં રહેતો સંજયકુમાર ડાયમંડ કંપનીમાં નોકરી કરતો હતો. તે સગીરાના પિતાનો મિત્ર હતો. સગીરાના પિતાની લકવાની સારવાર ચાલી રહી હતી. તે સાવરમાં મદદ કરતો અને અવારનવાર પીડિતાના ઘરે આવતો હતો. તેમને આર્થિક મદદ પણ કરતો હતો.
પરિવારજનો અને કંપનીના કર્મચારીઓ સાથે મુંબઇ ફરવા જતા હોવાનું કહીને તે કિશોરીને અહીં લાવ્યો હતો. ગ્રાન્ટરોડની હોટેલમાં શનિવારે સાંજે ચાર વાગ્યે ચેક ઇન કર્યું હતું. તેણે પીડિતા પોતાની પુત્રી હોવાનો દાવો કર્યો હતો. તણેે બનાવટી આધારકાર્ડ રજૂ કર્યું હોવાનું કહેવાય છે.
છોકરીએ સાંજે છ વાગ્યાની આસપાસ હોટેલના મેનેજરને સંજય બેભાન થઇ ગયો હોવાનું કહ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં હોટેલના કર્મચારી અને પોલીસ તેને હોસ્પિટલ લઇ ગયા હતા પણ તે મૃત્યુ પામ્યો હતો. ૪૧ વર્ષના આધેડે ૧૪ વર્ષની તરુણી સાથે શારીરિક સંબંધ પહેલા સ્ટેમિનાની વધુ પડતી ગોળીઓ ખાધી હોવાની શંકા છે. ગોળીના ઓવરડોઝથી હાર્ટ એટેકથી તેનું મોત થયું હોવાની ચર્ચા થઇરહી છે.
મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને વિસેરાને કેમિકલ એનામિસિસ માટે કાલિનામાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે. એના રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.