રેડિએશન લીકનો મેસેજ સોશિયલ મીડિયામાં જ લીક થઈ જતાં દોડધામ
તારાપુરમાં વા વાયો ને નળિયું ખસ્યું જેવો ઘાટ
અણુ ઊર્જા પ્લાન્ટો મેસેજ માત્ર અધિકારીઓ માટે હતો, લોકોમાં ગભરાટ, વાલીઓ બાળકોને સ્કૂલેથી લેવા દોડયા
મુંબઈ - તારાપુરમાં ન્યૂક્લિયર અણુ ઊર્જા મથકમાં મોક ડ્રીલ માટેનો ફક્ત અધિકારીઓ માટેનો મેસેજ સોશિયલ મીડિયામાં લીક થઈ જતાં ગભરાટ ફેલાયો હતો. આસપાસના ગામોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. વાલીઓ પોતાના બાળકોને સ્કૂલેથી લેવા દોડયા હતા. ભારે ઉચાટ બાદ છેવટે આ તો મોક ડ્રીલનો મેસેજ હતો અને તે પણ ફક્ત અધિકારીઓને સચેત કરવા માટેનો હતો તેવું કન્ફર્મ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
તાારાપુર સાઇટની ભઠ્ઠીમાં રેડિયોએક્ટિવ લી થયું છે અને ચોક્કસ સેક્ટરના ૨૭-૨૮ ગામો (ગામોના નામ) પ્રભાવિત થયા છે અને રેડિયેશન ફેલાયું છે. લોકોને તેમના મોં પર ભીના રૃમાલ, કપડા અથવા માસ્ક સાથે ઘરે રહેવા અને ખુલ્લો ખોરાક ખાવાનું ટાળો. આ પ્રકારનો મેસેજ સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો.
વાસ્તવમાં આ મેસેજની શરુઆતમાં જ લખ્યું હતું કે આ ઓફસાઈટ ઈમરજન્સી મેસેજ છે. પરંતુ, કોઈનું તે બાબત પર ધ્યાન ગયું ન હતું.
સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ અને સ્કુલ-કોલેજના મુખ્ય શિક્ષકો, પ્રિસિપાલથી લઈને સામાન્ય નાગરિકો એ આ સંદેશાની ચકાસણી કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
તારાપુર અણુવિદ્યુત મથકમાંથી કિરણોત્સર્ગ ફેલાયો હોવાનું સમજીને ભયનું વાતાવરણ ફેલાયું હતું. જેના કારણે સ્કુલ-કોલેજોમાં ભણતા પોતાના બાળકોને ઘરે લઈ જવા માટે વાલીઓ પ્રયાસો કર્યા હતા.
આ અંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી ગોવિંદ બોડકેના જણાવ્યા પ્રમાણે, તારાપુર ન્યુક્લિયર પાવર કેન્દ્રમાં પહેલા સાઈટ પર અને પછી ઓફ સાઈટ ઈમરજન્સી એટલે કે ન્યુક્લિયર પાવર સ્ટેશનની બહાર બચાવ કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયત અભ્યાસ પૂરતી જ એટલે કે મોક ડ્રીલ જ હતી. આ અભ્યાસ માટે હાથ ધરાયેલી કવાયતમાં અંદાજિત સમયની સરખામણીમાં આવી ઇમરજન્સીમાં બચાવ કાર્ય માટે ખરેખર કેટલો સમય જરૃરી છે. કટોકટીની સ્થિતિમાં કેવી રીતે કામ કરવાનું છે અને શું કરવાની જરૃર છે તે અંગે જણાવાયું હતું. ઈમરજન્સી સમયે મોકડ્રીલ યોજી તેની સમીક્ષા કરી રેસ્ક્યૂ પ્લાનમાં શું શું સુધારા થઈ શકે તે માટે આયોજન થતું હોય છે. પાલઘર તાલુકામાં ચાલી રહેલીકવાયત માત્ર અભ્યાસ પુરતી મર્યાદિત છે અને અણુ પાવર પ્લાન્ટમાં કોઈ લીકેજ થયું નથી.