મરાઠા આંદોલનકારીએ બાંદરામાં ફલાયઓવર પર ગળેફાંસો ખાધો
મરાઠા અનામત આંદોલનમાં કરુણ ઘટના
જાલનાના સુનિલ કાવળેએ કાગળ અને શર્ટ પરમરાઠા આરક્ષણ માટે જીવન સમાપ્ત કરી રહ્યાની સ્યુસાઈડ નોટ લખી ૨૪મીએ સૌને એકત્ર થવાનું આહવાન
પોલીસે ગઈ કાલે રાતે બનાવની જાણ થયા બાદ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો.
મુંબઇ : મરાઠા આરક્ષણ આંદોલનમાં સક્રિય રહેલા કાર્યકર્તા જાલનાના ૪૫ વર્ષીય સુનિલ કાવળેએ મુંબઈના બાંદરામાં આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે. ગુરુવારે વહેલી સવારે બાંદરામાં ફ્લાયઓવર પર થાંભલા સાથે કાવળેએ ગળાફાંસો ખાધો હતો. મૃતકે કાગળ અને શર્ટ પર સ્યુસાઇડ નોટ લખી હતી. એમાં મરાઠા આરક્ષણ માટે પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ખેરવાડી પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી છે.
મૂળ જાલનાના આંબડ તાલુકાના ચિકનગાવનો રહેવાસી સુનીલ કાવળેએ બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) નજીકના ફ્લાયઓવરના વીજળીના થાંભલા સાથે ગળાફાસો ખાઈ કૂદી ગયો હતો. તેના મૃતદેહ નજીક સ્યુસાઇડ નોટ મળી હતી. આ સિવાય તેણે પહેરેલા સફેદ શર્ટ પર પણ મરાઠી આરક્ષણની માગણી કરતો મેસેજ લખ્યો હતો.
કાવલેના સ્વજનોએ જણાવ્યું હતુ ંકે તેમણે રાતે ૧૨.૪૫ કલાકના અરસામાં ફોન કર્યો હતો પરંતુ ડિસ્ટર્બન્સના કારણે બરાબર વાત થી શકી ન હતી. તે પછી થોડી જ વારમાં તેમણે આપઘાત કરી લીધો હતો.
તેમણે જણાવ્યું હતું કે રાતે પોતે ઉંઘમાં હતા ત્યારે કાવલેનો ફોન આવ્યો હતો. જાગીને કાવલેનું મોબાઈલનું સ્ટેટસ જોયું તે પછી તરત જ મેં વળતો ફોન કર્યો હતો. પરંતુ, આ ફોન કોઈ પોલીસ કર્મચારીએ ઉપાડયો હતો અને જણાવ્યું હતું કે તેમણે આપઘાત કરી લીધો છે.
કાવલેના મૃતદેહ પાસેથી મળી આવેલા સ્યુસાઈડ નોટમાં જણાવાયું હતું કે પોતે મરાઠા આરક્ષણના હેતુ માટે જીવન ટૂંકાવે છે. તેમણે મરાઠા સમાજના લોકોને તા. ૨૪મી ઓક્ટોબરે એકત્ર થવા આહ્વાન પણ કર્યું હતું. તેમણે લખ્યું છે કે મરાઠા આરક્ષણ એ જ તેમનું એકમાત્ર સપનું છે.
આપણે ચાર-પાંચ દિવસ ઉપવાસ કરશું તો કોઈ મૃત્યુ પામવાનું નથી. આથી સૌએ તા. ૨૪મીએ મુંબઈ આવવું જોઈએ એમ તેમણે આ સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર કાવલે મરાઠા આરક્ષણનો સક્રિય આંદોલનકારી હતો. તેમણે તમામ ૨૮ રેલીઓમાં હાજરી આપી હતી.
મનોજ જરાંગે સાથે સેલ્ફી લેવાનું મૃતક સુનિલનું સ્વપ્ન અધૂરું રહી ગયું
મરાઠા આરક્ષણ માટે નોકરી છોડી દીધી ઃ સુનિલે આંદોલનમાં જરાંગે સાથે રહેવાનું નક્કી કર્યું હતુ
મરાઠા આરક્ષણ માટે આંદોલન કરનારા મનોજ જરાંગે પાટીલ સાથે મૃતક સુનિલ કાવળે સેલ્ફી લેવા માગતો હતો. મરાઠા આરક્ષણના આંદોલન માટે સુનિલે નોકરી છોડી દીધી અને છેલ્લે સુધી જરાંગે સાથે રહેવાનું નક્કી કરી લીધું હતું. તે ગત ૧૫ દિવસથી માનસિક રીતે ભાંગી પડયો હોવાનું જણાવ્યું હતું.
બાંદરામાં આત્મહત્યા કરનારા સુનિલ કાવળેના પરિવારે કહ્યું કે 'અમે તેને પૂછ્યું હતું કે મુંબઈમાં કાર લાવવા માટે જઈ રહ્યો છે. તેણે ના કહી હતી.
'હું મનોજ જરાંગે પાટીલ સાથે આરક્ષણની માગણી કરીશ, હું આરક્ષણ મેળવીને જ રહીશ, ત્યાં સુધી શાંત બેસીશ નહીં, એમ સુનિલે તેના પરિવારને કહ્યું હતું.
મૂળ જાલનાના સુનિલ પાસે એક એકરથી નાનું ખેતર હતું. ખેતી ઓછી હોવાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. આથી સુનિલ તેના પરિવાર સાથે જાલનાથી છત્રપતિ સંભાજીનગર આવી ગયો હતો. શરૃઆતમાં તે ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. મુંબઈ-પુણે રૃટ પર વાહન ચલાવતો હતો. પરંતુ મરાઠા આરક્ષણની સભામાં હાજર રહી ન શકતા તેણે નોકરી છોડી દીધી હતી. તે રિક્ષા ચલાવવા લાગ્યો હતો. છેવટે બધુ છોડીને આંદોલનમાં સક્રિયપણે જોડવાનું નક્કી કરી લીધું હતું, એમ સુનિલના કુટુંબીજનોએ વધુમાં કહ્યું હતું.
મનોજ જરાંગે પાટીલ આરક્ષણ અપાવી શકે છે, એવું સુનિલ માનતો હતો. તે જરાંગેને મળ્યો નહોતો. ૨૪ ઓક્ટોબરે મુંબઈમાં સભા હતી.
'આ સભામાં જરાંગે સાથે સેલ્ફી લેવાનું સુનિલે નક્કી કરી લીધું હતું, એવી માહિતા સુનિલના જમાઈએ આપી હતી.