થાણેમાં ગરબા કાર્યક્રમ વખતે જ ચાકુના ઘા મારી એકની હત્યા
- આઠથી દસ લોકોનું ટોળું તૂટી પડયું
- હત્યા પાછળનો ઈરાદો તત્કાળ સ્પષ્ટ નહિ, હુમલામાં અન્ય બે ઘાયલ
મુંબઇ : થાણેમાં શનિવાર રાત્રે ગરબા કાર્યક્રમ દરમિયાન આઠ શખ્સોના ટોળા દ્વારા ચાકુ વડે હુમલો કરવામાં આવતા એકનું મોત થયું હતું. તો આ ઘટનામાં અન્ય બે શખ્સો ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે આઠની ધરપકડ કરી હતી.
વિગત મુજબ, આ ઘટના શનિવાર રાત્રે ં દેવચી અલી ખાતે મંદિર નજીક બની હતી. જેમાં ગરબા કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે સમયે કથિત રીતે આઠ શખ્સોના ટોળાએ ચાકુ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં સચિન (નાનુ) પરમાર અને અન્ય બે શખ્સો પર ચાકુના ઘા વાગતા ત્રણેય ગંભીર રીતે ઘાયલ થયા હતા..
ઘટના બાદ,ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તબીબી તપાસ દરમિયાન સચિનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો અન્ય બે શખ્સો સારવાર હેઠળ છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પંચનામું કરીને આ કેસમાં આઠ શખ્સોને પકડી પાડયા હતા. જો કે, આ ઘટનામાં હુમલાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે આ મામલે આઠ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.