રીડેવલપમેન્ટમાં ફલેટ માટે લાયક રહીશોની યાદી વેબસાઈટ પર મૂકાશે
મૂળ રહીશોના ઘર હડપ થતાં અટકાવવા નિર્ણય
પાત્રતાના વિવાદ મુદ્દે પ્રોજેક્ટ અટકે નહિ અને દલાલો પરિસ્થિતિનો ફાયદો ન ઉઠાવે તેવો પણ હેતુ
મુંબઈ - જૂની ઈમારતના પુનર્વિકાસ માટે જરૃરી રહેવાસીઓની પાત્રતા યાદી હવે વેબસાઈટ પર ઉપલબ્ધ કરવાનો નિર્ણય ગૃહનિર્માણ ખાતાએ લીધો છે. રહેવાસીઓની પાત્રતા નિશ્ચિત કરવાના નામે દલાલો દ્વારા થતો હસ્તક્ષેપ બંધ થઈ શકશે. મ્હાડાએ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન કરીને દલાલોનો રહેવાસીઓ સાથેનો સંપર્ક ઓછો કર્યો છે.
શરૃઆતમાં બે હજારથી વધુરહેવાસીઓની પાત્રતા યાદી તૈયાર કરવામાં આવશે. બાયોે મેટ્રીક સર્વેક્ષણ કરીને યાદી તૈયાર થવાની હોવાથી હવે મૂળ રહેવાસીની જગ્યા હડપ કરનાવાના કિસ્સા પણ અટકી શકશે. પાત્રતા નક્કી કરાયા બાદ પુનર્વિકાસ સમયે તેમને ફાયદો થશે.
શહેરમાં ૧૩ હજારથી વધુ જૂની ઈમારતો પુનર્વિકાસની રાહ જોઈ રહી છે જેમાંથી કેટલીક ઈમારતો પુનર્વિકાસ ચાલી રહ્યો છે પણ રહેવાસીની પાત્રતા યાદી નહોવાથી પ્રોજેક્ટ અટકી પડયાનું જણાયું છે.
જૂની ઈમારતનો પુનર્વિકાસ કરવા મહાપાલિકા નિયોજન પ્રાધિકરણ છે. પણ ઈમારત સમારકામ અને પુનર્રચના મંડળ તરફથી ના વાંધા પ્રમાણપત્ર મળ્યા વિના પાલિકા પાસેથી પુનર્વિકાસની પરવાનગી અપાતી નથી. આને માટે રહેવાસીઓની પાત્રતા યાદી મહત્ત્વની હોય છે. ઘણી વાર આ યાદીમાં ગડબડ હોય છે જેને લીધે પ્રોજેક્ટ રખડી પડે છે. પુનર્વિકાસ શરૃ થવા પહેલા જ પાત્રતા યાદી હોય તો પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે છે, એટલે આ નિર્ણય લેવાયો હોવાનું ગૃહનિર્માણ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું.