ગુજરાતમાં રજિસ્ટ્રેશન ધરાવતી 9 કરોડની લેમ્બોર્ઘિની કોસ્ટલ રોડ પર આગમાં સ્વાહા
કારમાં કેટલા લોકો હતા અને કેવી રીતે આગ લાગી તેની વિગતો નહીં
લેમ્બોર્ઘિનીના સેફ્ટી સ્ટાન્ડર્ડ બાબતે ચિંતા કરાવે તેવી ઘટના, આટલા દામ પછી કોઈ બાંધછોડ ન ચાલેઃ ગૌતમ સિંઘાનિયા
મુંબઇ - નાતાલની રાતે મુંબઇના કોસ્ટલ રોડ પર દોડી રહેલી ઓરેન્જ રંગની લેમ્બોર્ઘિની હુરાકાન કાર રાત્રે ૧૦.૨૦ વાગે ભડભડ સળગી ઉઠી હતી. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર એક અગ્નિશમન ગાડીએ ઘટનાસ્થળે પહોંચી આગને ૪૫ મિનિટમાં આલવી નાંખી હતી. ગુજરાતમાં રજિસ્ટ્રેશન ધરાવતી આ લકઝરી કારમાં આગ શા કારણે લાગી હતી અને તેમાં કેટલા જણાં હતા તે જાણી શકાયું નથી પણ આ આગમાં કોઇ જાનહાનિ થઇ નથી. જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાએ ભડકે બળી રહેલી આ કારનો વિડિયો સોશ્યલ મિડિયા પર શેર કરી સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ ઘટના અંગે ગૌતમ સિંઘાનિયાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે મુંબઇના કોસ્ટલ રોડ પર લેમ્બોર્ઘિની કાર આગમાં સપડાઇ છે. આ પ્રકારની ઘટનાઓ લેમ્બોર્ઘિનીના સુરક્ષા ધોરણો અને તેની વિશ્વસનીયતા સામે ગંભીર ચિંતા ઉભી કરે છે. કંપનીની પ્રતિષ્ઠા અને તેની કારના ઉંચા દામ ચૂકવ્યા બાદ તેની ગુણવત્તામાં કોઇ બાંધછોડ ન કરાઇ હોય તેવી અપેક્ષા હોય, સંભવિત જોખમોનો સામનો કરવાની નહીં.
ગૌતમ સિઘાનિયા પાસે મસેરાતી અને પોર્શે જવી ઘણી લક્ઝરી કાર્સ છે.ે તેમણે ઓક્ટોબર મહિનામાં તેમને થયેલો લેમ્બોર્ઘિનીનો કટુ અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે લેમ્બોર્ઘિનીની સ્પોર્ટસ કાર રેવુલ્ટોનું પઝેશન મેળવ્યાના પંદર દિવસમાં જ ટ્રાન્સ હાર્બર લિન્ક રોડ પર તેમની કારમાં ઇલેકટ્રિકલ ફેઇલ્યોરની ઘટના બની હતી. આ ઘટનાને કારણે અટવાઇ પડેલાં સિઘાનિયાએ ફરિયાદ પણ કરી હતી. પણ લેમ્બોર્ઘિની ઇન્ડિયા કે એશિયા ડિવિઝન તરફથી કોઇએ તેમનો સંપર્ક કરવાની દરકાર કરી નહોતી. રસપ્રદ બાબત એ છે કે સિંઘાનિયા પાસે એક લેમ્બોર્ઘિની એવેન્ટાડોર એસવીજે સુપર કાર પણ છે.