કોપર-દિવા વચ્ચે લોકલ ટ્રેનના દરવાજેથી પટકાયેલા કચ્છી યુવાનનું મોત

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
કોપર-દિવા વચ્ચે લોકલ ટ્રેનના દરવાજેથી પટકાયેલા કચ્છી યુવાનનું મોત 1 - image


લોકલ ટ્રેનમાં ભારે ભીડના કારણે 37 વર્ષના કેયુર સાવલાએ જીવ ગુમાવ્યો

દિવા સ્ટેશને એમ્બ્યુલન્સ ન હતી, ઘાયલ દોસ્તને બચાવવા મિત્ર ટેમ્પોમાં હોસ્પિટલ દોડયો પણ ત્યાં સુધીમાં અંતિમ શ્વાસ લઈ લીધા

મુંબઈ :  ડોંબિવલી રૃટની લોકલ ટ્રેનોની મારક ગિરદીને કારણે ફરીવાર એક યુવકના પ્રાણ  ટ્રેનમાંથી પડીને ગુમાવ્યાની ઘટના બની છે. સહુથી શરમજનક વાત રેલવે તંત્ર માટે એ છે કે યુવકને હોસ્પિટલમાં લઈ જવા માટે સ્ટેશને એમ્બ્યુલન્સ હાજર ન હતી. યુવકને સમયસર સારવાર મળી નહીં. યુવક સાથે પ્રવાસ કરતા તેના મિત્રએ બચાવવાનો અથક પ્રયત્ન કરી  ઘાયલ દોસ્તને ટેમ્પોમાં હોસ્પિટલ સુધી લઈ ગયો હતો પણ ત્યાર સુધી મોડું થઈ ગયું હતું.    

ડોંબિવલીના નવનીત નગરમાં રહેતો ૩૭ વર્ષનો કેયુર સાવલા તેના મિત્ર શિલકર સાથે રોજ પ્રમાણે ગુુરુવારે સવારે  ૯.૨૫ની સીઅસટી લોકલ પકડવા  ડોંબિવલી સ્ટેશને  આવ્યા હતા. ટ્રેનમાં ખૂબજ ભીડ હોવાથી  ચઢવું મુશ્કેલ હતું. બબન જેમતેમ કરીને દર ઘૂસવામાં સફળ રહ્યો પણ તેનો મિત્ર કેયુર દરવાજે લટકી રહ્યો અને ટ્રેન શરૃ થઈ ગઈ હતી.

 બબને કેયુરને અંદર લેવા હાથ લંબાવ્યો હતો પણ નિયતીએ કંઈક બીજું ધાર્યું હતું. કેયુરએ સંતુલન ગુમાવ્યું અને  કોપર- દિવા દરમિયાન ટ્રેનમાંથી નીચે પટકાઈ ગયો હતો. બબને તરત જ ઘટનાની જાણ દિવા સ્ટેશનના અધિકારીઓને કરી હતી અને ઘાયલ કેયુરને હોસ્પિટલમાં લઈ જવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. 

બબનને એવો જવાબ મળ્યો હતો કે એમ્બ્યુલન્સ બહાર ગઈ છે. બાદમાં બબન મિત્ર કેયુરને બેભાન અવસ્થામાં કાર્ગોના થ્રી વ્હિલર ટેમ્પોમાં હોસ્પિટલ સુધી લઈ ગયો હતો પણ ત્યા સુધીમાં તો કેયુરના પ્રાણ જતા રહ્યા હતા. હોસ્પિટલમાં કેયુરને મૃત જાહેર કરાયો હતો.

ડોંબિવલી આસપાસ ચાલુ ટ્રેનમાંથી પટકાતાં મોતની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા એક મહિનામાં પાંચથી વધુ લોકો આ રીતે મૃત્યુ પામી ચૂક્યા છે. તેના કારણે પ્રવાસી વર્ગમાં આક્રોશ વધી રહ્યો છે. રેલવે સ્ટેશને એમ્બ્યુલન્સ અને સ્ટ્રેચર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે પણ લોકોએ પસ્તાળ ઠાલવી છે.



Google NewsGoogle News