બ્લૂ બ્રિગેડના ઓવારણા : મુંબઈના દરિયાકાંઠે 'ઉત્સાહ, ઉમંગ'નો સાગર છલકાયો
- સપનાઓના શહેરમાં ભારતીય ક્રિકેટ ટીમનું દિલથી ભવ્યાતિભવ્ય સ્વાગત
- 33 હજારની ક્ષમતા ધરાવતું વાનખેડે સ્ટેડિયમ 15 મિનિટમાં હાઉસફૂલ, મોડી રાત સુધી રેલવે સ્ટેશનો અને રોડ પર ત્રિરંગા સાથે ચાહકો નાચ્યા
- વેસ્ટર્ન રેલવેએ ખાસ ટ્રેનો દોડાવવી પડી, પોલીસે લોકોને મરીન ડ્રાઈવ નહિ આપવા અપીલો પ્રગટ કરવાની ફરજ પડી, ભીડમાં કેટલાક બેભાન થઈ ગયા
- વાનખેડે સ્ટેડિયમ સુધીની વિકટરી માર્ચમાં વરસતા વરસાદમાં પણ આશરે ત્રણ લાખ જેટલા ક્રિકેટ ચાહકોનો વિક્રમી માનવમહેરામણ, દરિયાનો ઘૂઘવાટ પણ ન સંભળાય તેટલા પ્રચંડ 'ઈન્ડિયા ઈન્ડિયા'ના નારાથી સમગ્ર રોડ ગાજ્યો
મુંબઈ : ટી ટ્વેન્ટી વલ્ડ કપની ફાઈલમાં દક્ષિણ આફ્રિકાને રગદોળી વિશ્વ ચેમ્પિયન બનેલી રોહિત શર્માના વડપણ હેઠળની ભારતીય ટીમની આજે મોડી સાંજે મુંબઈમાં યોજાયેલી વિક્ટરી માર્ચમાં વિશ્વ વિજેતાઓનાં ઓવારણાં લેવા માટે લાખો ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડતાં મરીન ડ્રાઈવ ખાતે અભૂતપૂર્વ જનસૈલાબનાં દૃશ્યો સર્જાયાં હતાં. સાંજે પાંચ વાગે યોજનારી વિક્ટરી માર્ચ લગભગ ત્રણ કલાક મોડી ચાલુ થઈ હતી પરંતુ ક્રિકેટ રસિકોએ તો બપોરથી જ મરીન ડ્રાઈવના સમગ્ર રોડને જામપેક કરી દીધો હતો.
વિશ્વ વિજેતા ટીમ ખુલ્લી બસમાં સવાર થઈ માર્ગ પર આવી ત્યારે ક્યાંય એક ઈંચ જેટલી જગ્યા પણ બાકી રહી ન હતી. લાખો ક્રિકેટ ચાહકોએ 'ઇન્ડિયા ઈન્ડિયા'ના નારા સાથે એટલી હદે ચિચિયારીઓથી સમગ્ર વાતાવરણ ગજાવી દીધું હતું કે તેમની સામે દરિયાનો ઘૂઘવાટ પણ ફિક્કો પડી ગયો હતો. સમગ્ર સાંજ દરમિયાન વારંવાર વરસાદી ઝાપટાં અને અંધારું થઈ જવા છતાં પણ ચાહકોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી. ચાહકોનો આ પ્રતિસાદ અને પ્રેમ જોઈ વિશ્વ વિજેતા ભારતીય ટીમના સભ્યો પણ ગદગદ થઈ ગયા હતા. જોકે, બીજી તરફ આટલી જંગી જનમેદનથી પોલીસ સહિત સરકારી તંત્રના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. મુંબઈ પોલીસે એક તબક્કે સોશિયલ મીડિયા દ્વારા લોકોને મરીન ડ્રાઈવ નહિ આવવા અપીલ કરવી પડી હતી. બીજી તરફ સ્ટેડિયમ આસપાસ પણ પોલીસે લાઉડ સ્પીકર પર લોકોને પાછા જતા રહેવા જણાવવું પડયું હતું. વેસ્ટર્ન રેલવેએ સાંજ પછી વધારાના પ્રવાસીઓના રશને પહોંચી વળવા વિશેષ લોકલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી.આશરે ૩૩ હજારની ક્ષમતા ધરાવતાં વાનખેડે સ્ટેડિયમમાં ટિકિટ વિના એન્ટ્રીની છૂટ હોવાથી લોકોએ ગેટ ખુલ્યા પછી રીતસર દોટ લગાવી હતી અને માત્ર ૧૫ મિનીટમાં જ સમગ્ર સ્ટેશન જામપેક થઈ ગયું હતું.
રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડયા અક્ષર પટેલ, બુમરાહ , સૂર્ય કુમાર યાદવ સહિતના ખેલાડીઓ ઓપન ડબલ ડેકર બસમાં હાથમાં વિશ્વ કપ ટ્રોફી સાથે જનમેદનીનું અભિવાદન ઝીલવા નીકળ્યા ત્યારે તેમની ઝલક મેળવવા માટે લોકોએ પડાપડી કરી હતી. અસંખ્ય ચાહકોએ મોબાઈલની ફલેશ લાઈટ્સ ઓન કરીને તેમને સલામી આપવી હતી. 'ઈન્ડિયા ઇન્ડિયા' અને 'રોહિત રોહિત'ના નારા સાથે લોકોએ તેમને વધાવ્યા હતા. બસમાં કોચ રાહુલ ડ્રવિડ પણ હાજર હતો અને ચાહકો એ 'રાહુલ રાહુલ'ના નારા સાથે કોચ તરીકે તેના પ્રદાનને પણ વધાવ્યું હતું. લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોઈને ક્રિકેટર્સનો ઉલ્લાસ પણ અનેક ગણો વધ્યો હતો અને તેઓ અવારનવાર એકબીજાને ટ્રોફી થમાવતા લોકો સમક્ષ તેને ઊંચી કરીને ભારતના વિજયને ભારતની જનમેદનીને જાણે કે સમર્પિત કર્યો હતો. તેમાં પણ આ ટીમમાંથી રોહિત શર્મા, હાર્દિક સહિતના ખેલાડીઓ મુંબઈ ઈન્ડિયન્સની ટીમના હોવાથી કેટલાય ચાહકોએ મુંબઈ ઈન્ડિયન્સની તરફેણમાં પણ સૂત્રો પોકાર્યા હતા. પોલીસના વારંવાર પ્રયાસો છતાં પણ લોકો રોડ પર બસની સામે આવીને ઊભા રહી જતા હતા અને મોબાઈલ પર વીડિયો ઉતારતા હતા. તેના કારણે બસ માટે આગળ વધવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. એક કિમીનું અંતર કાપતાં પણ બસને આશરે એકથી સવા કલાકનો સમય લાગ્યો હતો. લોકોના અપૂર્વ ઉમળકાનો પ્રતિસાદ આપી પોરસાયેલી ભારતીય ટીમ બાદમાં બીસીસીઆઈ દ્વારા જાહેર સન્માનના કાર્યક્રમ માટે વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશી હતી.
ગયા શનિવારે ફાઈનલ મેચ જીત્યા બાદ જોકે, બાર્બાડોસમાં ભયંકર વાવાઝોડું આવતાં ટીમ ઈન્ડિયા ત્યાં ફસાઈ ગઈ હતી. આખરે પરિસ્થિતિ સુધરતાં ત્યાંથી ખાસ ચાર્ટ્ડ ફલાઈટ દ્વારા ગઈ કાલે તેઓ સ્વદેશ પરત આવવા રવાના થયા હતા. આજે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે ટીમના બ્રેકફાસ્ટ બાદ મુંબઈમાં સાંજે વાનખેડે સ્ટેડિયમમાં જાહેર અભિવાદન તથા બીસીસીઆઈ દ્વારા ઈનામ અર્પણ કરવા સહિતના કાર્યક્રમોની જાહેરાત થઈ હતી. સાંજે મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચેલી ટીમની ફલાઈટને વોટર કેનન દ્વારા ગ્રાન્ડ વેલકમ અપાયું હતું. તે પછી બાન્દ્રા સી લીંક થઈને ટીમ સાઉથ મુંબઈ પહોંચી હતી. ટીમ ઈન્ડિયાના સ્વદેશ આગમનમાં ઓલરેડી વિલંબ થઈ ગયો હોવાથી ક્રિકેટ ચાહકોનો ઈન્તજાર અનેકગણો વધી ગયો હતો. તેમાં પણ રોહિત શર્માએ ગઈકાલે સોશિયલ મીડિયા પર ગુરુવારે સાંજે પાંચ વાગ્યે મરીન ડ્રાઈવ પર મળશું તેવો મેસેજ સોશિયલ મીડિયા પર આપી દેતાં ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો અને તેની ઝલક આજના વિક્રમી માનવ મહેરામણમાં જોવા મળી હતી. મુંબઈના તમામ પરાં ઉપરાતં વસઈ વિરાર, કલ્યાણ, ડોંબિવલી અન ે પનવેલ સહિતના મુંબઈ મેટ્રોપોલિટન રિજિયનમાંથી પણ હાથમાં ત્રિરંગા સાથે, ભારતીય ટીમની બ્લૂ જર્સી પહેરીને અને વિજયી નારા પોકારતા ક્રિકેટ ચાહકો ચર્ચગેટ તરફ રવાના થવા લાગ્યા હતા.
આજે બપોરના બે વાગ્યા પછી જ મરીન ડ્રાઈવ પર ભીડ જમા થવી શરુ થઈ ગઈ હતી. બપોર પછી ચર્ચગેટ તરફ આવતી વેસ્ટર્ન લાઈનની ટ્રેનોમાં ચઢવાની જગ્યા ન મળે તેવી સ્થિતિ સર્જાવા લાગી હતી. દાદર, પ્રભાદેવી, મુંબઈ સેન્ટ્રલ સહિતનાં સ્ટેશનોનાં પ્લેટફોર્મ પર તો સાંજ પછી ઊભા રહેવાની પણ જગ્યા ન હોય તે હદે બેકાબુ ગિર્દી જામી હતી. અસંખ્ય ચાહકો બાદમાં જે વાહન મળ્યું તે લઈને સ્ટેડિયમ તરફ પહોંચવા રવાના થયા હતા.
મુંબઈ ટ્રાફિક પોલીસે ગઈકાલે જ એનસીપીએથી વાનખેડે સ્ટેડિયમ સુધીના માર્ગ પર ટ્રાફિક નિયંત્રણો જાહેર કરી વાહનચાલકોને અન્ય વૈકલ્પિક માર્ગો પસંદ કરવા જણાવી દીધું હતું. જોકે, ટીમ તો છેક સાંજે પાંચ વાગ્યા પછી આવવાની છે એમ ધારી અસંખ્ય કારચાલકો મરીન ડ્રાઈવના રસ્તે પહોંચ્યા હતા પરંતુ ત્યાં બપોરથી જમા થયેલી મેદની વચ્ચે જ તેઓ એવા ફસાયા હતા કે એક ઈંચ પણ આગળ જવા જેટલી જગ્યા રહી ન હતી.
જોકે, ભારે ભીડના કારણે અંધાધૂંધીના દૃશ્યો પણ સર્જાયાં હતાં. સંખ્યાબંધ લોકોને ભીડમાં ગૂંગળામણ તથા ગભરાટનો અનુભવ થયો હતો. કેટલાક લોકોને તો મૂર્છા વળી ગઈ હતી. તબિયત વણસી તેવા કેટલાક લોકોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ મોકલવી પડી હતી. અનેક લોકોએ પોતાના ચંપલ , બૂટ તથા છત્રીઓ પણ આ ભીડમાં ગુૂમાવ્યાં હતાં. બીજી તરફ બેથી ત્રણ કલાક સુધી ભીડમાં ઉભા રહ્યા બાદ રોડની નજીક નહીં પહોચી શકેલા કેટલાય ચાહકોને તેમના માનીતા ક્રિકેટરોની વ્યવસ્થિત ઝલક મળી ન હતી. તેમણે દૂરથી જ બસને પસાર થતી જોઈ સંતોષ માનવો પડયો હતો.
સંખ્યાબંધ ચાહકોએ ૨૦૦૭માં ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી ત્યારે પણ આ જ રીતે જાહેર અભિવાદન યોજાયું હોવાનાં દૃશ્યો યાદ કર્યાં હતાં .જોેકે, ત્યારની સરખામણીએ આજે લોકોનો ઉન્માદ, ઉત્સાહ અને ઉલ્લાસ કંઈક અલગ જ લેવલે હોવાનું તેમણે જણાવ્યું હતું.