Get The App

બોરણે ઘાટમાં યુવતી સેલ્ફી લેવા જતાં ૧૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
બોરણે ઘાટમાં યુવતી સેલ્ફી લેવા જતાં ૧૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી 1 - image


- પુણેથી યુવક યુવતીઓનાં જૂથ સાથે સાતારા આવી હતી

- એક વૃક્ષમાં અટકી જતા જીવ બચ્યો, સ્થાનિક   ટ્રેકર્સ દ્વારા રસ્સીની મદદથી રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડાઈ

મુંબઇ : ચોમાસામાં સેલ્ફી લેવાના ચક્કરમાં સતત અકસ્માત થતા હોવા છતાં યુવનો કોઈ બોધપાઠ લેતા નથી. સાતારામાં બનેલી આવી જ એક ઘટનામાં સેલ્ફી લેવાના ચક્કરમાં પુણેની એક ૨૯ વર્ષની યુવતી ૧૦૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. સદનસીબે આ યુવતી એક વૃક્ષમાં અટકી પડતાં તેનો બચાવ થયો હતો. ત્યારબાદ સ્થાનિકો અને ટ્રેકરોની મદદથી યુવતીનો બચાવ કરવામાં આવ્યો હતો અને ગંભીર ઈજાગ્રસ્ત યુવતીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પુણેના વારજે વિસ્તારમાં રહેતી નસરીન કુરેશી (૨૯) નામની યુવતી અને મિત્રો મળી કુલ આઠ જણ કારમાં સાતારાના સંગમનગર વિસ્તારમાં આવ્યા હતા. આ તમામ મિત્રો અહીંના ઠોસેઘર ધોધની મજા માણવા માગતા હતા પણ ઠોસેઘર ધોધ બંધ કરી દેવામાં આવ્યો હોવાથી આ બધા અહીંના બોરણે ઘાટ વિસ્તારમાં આવ્યા હતા. અહીં આ લોકો કારમાંથી ઉતરી ફોટોસેશન કરી રહ્યા હતા. આ સમયે નસરીન સેલ્ફી લઈ રહી હતી ત્યારે અચાનક ૧૦૦ ફૂટ ઉંડી ખીણમાં ગબડી પડી હતી. જોકે સદભાગ્યે તે એક ઝાડમાં ફસાઈ ગઈ હતી અને તેનો બચાવ થયો હતો.

આ ઘટના બાદ નસરીનના મિત્રોએ આ બાબતની જાણ સાતારા પોલીસને કરતા પોલીસે સ્થાનિક ગામવાસીઓને સાથે લઈ રેસ્કયુનું કામ કરતા અમુક ટ્રેકરોનો સંપર્ક કર્યો હતો. ટ્રેકરોની આ ટીમે નસરીનને બચાવવા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે અભીજીત માંડવે નામનો એક હોમગાર્ડ દોરડાની મદદથી ખીણમાં ઉતર્યો હતો. તેણે ખીણમાં નીચે ઉતરી સેફટી બેલ્ટની મદદથી નસરીનને બાંધી ઉપર લઈ આવ્યા હતા.

આ ઘટનામાં નસરીનને ગંભીર ઈજાઓ થઈ હતી અને તાત્કાલિક પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નસરીનના રેસ્કયુનો વીડિયો મોટે પાયે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના બાદ સાતારા પોલીસે ચોમાસા દરમિયાન જોખમી પહાડ અને ધોધથી દૂર રહેવાની યુવાનોને સલાહ આપી હતી.

આ પ્રકારની એક ઘટનામાં થોડા દિવસો પહેલાં જ મુંબઈની એક સીએ યુવતી અન્વી કામદારનું રીલ બનાવવાના પ્રયાસમાં રાયગઢના માણગાવ પાસે કુંભે વોટરફોલ પરથી ૩૦૦ ફૂટ નીચે પડી જવાથી મોત થયું હતું. આ ઘટના બાદ કલાકોની જહેમત બાદ અન્વીના મૃતદેહને ટ્રેકરોએ ખીણમાંથી બહાર કાઢ્યો હતો.



Google NewsGoogle News